IPL 2025

હૈદરાબાદ માટે નિષ્ફળ ટૉપ-ઑર્ડર મોટી ચિંતા, ગુજરાત હૅટ-ટ્રિક વિજયની તલાશમાં…

હૈદરાબાદઃ 2024ની આઇપીએલ (IPL)ને એક પછી એક ધમાકેદાર ઇનિંગ્સથી ગૂંજવી નાખનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ કરતાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમના બૅટ્સમેન આ વખતે વધુ વિસ્ફોટક છે એ માનવામાં નથી આવતું, પરંતુ આ હકીકત છે. આઇપીએલ-2025માં અત્યાર સુધીમાં ટોચના પાંચ બૅટ્સમેનમાં ગુજરાતના બે ખેલાડી છે, પરંતુ હૈદરાબાદનો એક પણ નથી. હૈદરાબાદના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેન આ વખતે નિષ્ફળ જઈ રહ્યા હોવાથી આઇપીએલમાં હજી ખરી ચમક નથી આવી એમ કહી શકાય.

ગુજરાતની ટીમ બોલિંગના ચમત્કારિક પર્ફોર્મન્સ ઉપરાંત ખાસ કરીને બી. સાઇ સુદર્શન અને જૉસ બટલર સહિતના બૅટ્સમેનની ધમાકેદાર ઇનિંગ્સના બળ પર ત્રણમાંથી બે મૅચ જીતી છે. સુદર્શન કુલ 186 રન સાથે બીજા નંબરે અને બટલર 166 રન સાથે પાંચમા સ્થાને છે. લખનઊનો નિકોલસ પૂરન આ લિસ્ટમાં 201 રન સાથે મોખરે છે. છેલ્લી બન્ને મૅચ જીતી લેતાં આજે ગુજરાતને વિજયની હૅટ-ટ્રિકનો મોકો છે.

બીજી બાજુ, હૈદરાબાદની ટીમ ચારમાંથી ત્રણ મૅચ હારી છે. 2024માં આ ટીમ પાવરપ્લેના પાવર પર્ફોર્મન્સ માટે જાણીતી હતી, પરંતુ આ વખતે હૈદરાબાદની ટીમ પ્રથમ મૅચના 286 રનના સ્કોર બાદ અસલ ટચ ગુમાવી બેઠી છે અને પાવરપ્લેમાં જરાય અસરદાર નથી રહી, કારણકે એના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેન સતત ફ્લૉપ જઈ રહ્યા છે. અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન અને નીતીશ કુમાર રેડ્ડી સતત સારું નથી રમી શક્યા. પરિણામે, હિન્રિક ક્લાસેન અને અનિકેત વર્મા પર પ્રચંડ પ્રેશર આવી પડે છે. કિશન રાજસ્થાન સામેની પ્રથમ મૅચમાં અણનમ 106 રન કર્યા પછી ત્રણેય મૅચમાં (0, 2, 2) સદંતર ફ્લૉપ ગયો છે.

ગુજરાતે પચીસમી માર્ચે પંજાબ સામેની પ્રથમ મૅચમાં 11 રનથી પરાજય જોયા બાદ બન્ને મૅચમાં વિજય માણ્યો હતો. શુભમન ગિલના સુકાનમાં ગુજરાતે 29મી માર્ચે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમને 36 રનથી પરાજિત કરી હતી અને પછી બુધવારે બેંગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને આઠ વિકેટથી પરાજિત કરી હતી.

હૈદરાબાદની સમસ્યા બૅટિંગ પૂરતી સીમિત નથી. બોલિંગ પણ અગાઉ જેવી દમદાર નથી. મોહમ્મદ શમી અને કૅપ્ટન પૅટ કમિન્સે અનુક્રમે 10.00 તથા 12.30ના ઇકોનોમી-રેટથી રન આપ્યા છે. તેઓ ચાર મૅચમાં કુલ ફક્ત ત્રણ-ત્રણ વિકેટ લઈ શક્યા છે. ગુજરાતની ટીમમાં કૅગિસો રબાડાની ખોટ પડી છે. તે અંગત કારણસર થોડા દિવસ માટે સ્વદેશ પાછો જતો રહ્યો છે.


શું તમે જાણો છો?

(1) ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ અને હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા નજીકના મિત્રો છે.
(2) આજે ગુજરાતના મોહમ્મદ સિરાજ અને હૈદરાબાદના મોહમ્મદ શમી વચ્ચે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ જોવા મળી શકે.
(3) ગુજરાતનો સુકાની ગિલ આ વખતે ત્રણ મૅચમાં સાધારણ રમ્યો છે જેમાં તેણે 33, 38 અને 14 રન કર્યા છે. જોકે તેનો મિત્ર અને હૈદરાબાદનો ઓપનર અભિષેકના ચારમાંથી ત્રણ મૅચમાં સિંગલ ડિજિટમાં રન છે (24, 6, 1 અને બે રન).
(4) મોહમ્મદ શમી 2023માં ગુજરાત વતી રમ્યો હતો અને વિકેટ લેનાર બોલર્સમાં મોખરે હતો. આ વખતે તે હૈદરાબાદની ટીમમાં છે અને આજે ગુજરાત સામે રમવાનો છે.
(5) ગુજરાતની સ્ક્વૉડમાં બે ખેલાડી (ગ્લેન ફિલિપ્સ અને વૉશિંગ્ટન સુંદર) એવા છે જેઓ અગાઉ હૈદરાબાદ વતી રમ્યા હતા. આ વખતે આ બન્નેને રવિવારની મૅચ પહેલાં એક પણ મૅચમાં રમવા નહોતું મળ્યું.
(6) 2024ની સૌથી ધમાકેદાર ટીમ હૈદરાબાદે આ વખતે પાવરપ્લેમાં 10 વિકેટ ગુમાવી છે. અન્ય એક પણ ટીમે પાવરપ્લેમાં આટલી વિકેટ નથી ગુમાવી.
(7) ગુજરાતના મોહમ્મદ સિરાજને આઇપીએલમાં 100 વિકેટનો આંકડો પૂરો કરવા ફક્ત બે વિકેટની જરૂર છે. હૈદરાબાદના જયદેવ ઉનડકટની 99 વિકેટ છે અને 100 પૂરા કરવા તેને એક જ વિકેટ જોઈએ છે. જોકે આ વખતે તેને હજી સુધી એકેય મૅચ નથી રમવા મળી.
(8) આજે હૈદરાબાદમાં મૅચ રમાશે અને આ જ સ્થળે ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે જાન્યુઆરી, 2023માં ભારત વતી ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં ડબલ સેન્ચુરી (208 રન, 149 બૉલ, 9 સિક્સર, 19 ફોર) ફટકારી હતી.


બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, ગ્લેન ફિલિપ્સ/અર્શદ ખાન, રાશીદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને (12મો પ્લેયર) ઇશાંત શર્મા.

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, કામિન્ડુ મેન્ડિસ, હિન્રિક ક્લાસેન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ/સિમરજીત સિંહ, મોહમ્મદ શમી અને (12મો પ્લેયર) ઝીશાન અન્સારી.

આપણ વાંચો : પંતના 12 લાખ રૂપિયા કપાયા, પણ રાઠીને હવે `નોટબુક સેલિબ્રેશન’ વધુ મોંઘુ પડ્યું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button