આઇપીએલ ફરી આ તારીખે શરૂ થવાની સંભાવના છે…
બીસીસીઆઇએ કેમ 10ને બદલે નવ ટીમના વિદેશી ખેલાડીઓને પોતાના સ્થળે પહોંચી જવાની સૂચના આપી?

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL-2025)ની અધૂરી રહેલી 18મી સીઝન (18th season)ના કરોડો ચાહકોને ખુશ કરી દે એવા અહેવાલ બહાર આવ્યા છે. પ્લે-ઑફ રાઉન્ડની નજીક પહોંચી રહેલી આ ટી-20 સ્પર્ધા (ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને ધ્યાનમાં લેતાં) આઠમી મેએ પંજાબ-દિલ્હીની મૅચની અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી, પણ હવે એ ફરી શરૂ કરવા ચક્રો ગતિમાન થયા છે અને આ ટૂર્નામેન્ટ આગામી 16 કે 17મી મેએ પાછી શરૂ (restart) થવાની સંભાવના છે.
બીસીસીઆઇએ 10માંથી નવ ટીમના તમામ વિદેશી ખેલાડીઓ (જેઓ યુદ્ધવિરામ પહેલાં પોતપોતાના દેશમાં જવા રવાના થઈ ગયા હતા તેમને) ભારત પાછા આવી જવાનું કહી દેવાની નવેનવ ફ્રૅન્ચાઇઝીઓને સૂચના આપી છે. પંજાબના વિદેશી ખેલાડીઓ (overseas players) સ્વદેશ જવાને બદલે ભારતમાં જ રહી ગયા હતા.
છેલ્લામાં છેલ્લા પૉઇન્ટ્સ-ટેબલ મુજબ ગુજરાત (16 પૉઇન્ટ) પ્રથમ નંબરે, બેંગલૂરુ (16) બીજા નંબરે, પંજાબ (15) ત્રીજા નંબરે, મુંબઈ (14) ચોથા નંબરે અને દિલ્હી (13) પાંચમા નંબરે છે. એક અહેવાલ મુજબ બીસીસીઆઇ આઇપીએલ ગમેએમ કરીને અગાઉની ફાઇનલની તારીખ પચીસમી મે સુધીમાં પૂરી કરવા માગે છે. 12 લીગ અને ચાર પ્લે-ઑફની મૅચ સહિત કુલ 16 મૅચ રમાવાની બાકી છે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બે મૅચ રમાય છે, પણ હવે લગભગ દરરોજ બે મૅચ રમાશે એવી શક્યતા છે.
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ તમામ નવ ટીમના વિદેશી પ્લેયરોને મંગળવાર, 13મી મે સુધીમાં પોતાના સ્થળે પાછા આવી જવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પોતાની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) દુબઈમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુએઇના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનની વિનંતી નકારી કાઢી હતી.
આપણ વાંચો : આઇપીએલના વિદેશી ખેલાડીઓ પાછા ગયા ત્યાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ થયું!