2024માં કોલકાતાને ટ્રોફી અપાવનાર શ્રેયસ શનિવારે ઈડનમાં એ જ ટીમની વિરુદ્ધમાં રમશે…

કોલકાતાઃ 11 મહિના પહેલાં કોલકાતા શહેરના ઈડન ગાર્ડન્સમાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમે એક દાયકા બાદ પહેલી વાર આઇપીએલ (IPL)નું ટાઇટલ જીતી લીધું હતું, પણ શનિવાર, 26મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) શ્રેયસ એ જ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમની વિરુદ્ધમાં ઈડનમાં રમશે. શ્રેયસ પંજાબ કિંગ્સ (PBKS)નો સુકાની છે અને શનિવારે કોલકાતા-પંજાબ વચ્ચે મુકાબલો છે.
અજિંક્ય રહાણે કોલકાતાની ટીમનો સુકાની છે, પરંતુ કોલકાતાની ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેઓ ગયા વર્ષે શ્રેયસના નેતૃત્વમાં રમ્યા હતા અને હવે તેની જ સામે રમવા મેદાન પર ઊતરશે. કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે શ્રેયસને ખેલાડીઓની હરાજીમાં મૂકી દીધો હતો, પરંતુ પંજાબના માલિકોએ ધમાકો કર્યો હતો. તેમણે શ્રેયસને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે મેળવ્યો હતો.
10 દિવસ પહેલાં આ જ બે ટીમ (કોલકાતા-પંજાબ) વચ્ચે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં મૅચ રમાઈ હતી જેમાં શ્રેયસના સુકાનમાં પંજાબે માત્ર 111 રન કર્યા પછી કોલકાતાને માત્ર 95 રનમાં આઉટ કરીને 16 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. કોલકાતા અને પંજાબ, બન્ને ટીમ બૅટિંગમાં મિડલ-ઑર્ડર (ચારથી સાત ક્રમના બૅટ્સમેન)ની નિષ્ફળતા બદલ ચિંતિત છે. આ ચાર ક્રમમાં કોલકાતાની બૅટિંગ-ઍવરેજ માત્ર 20.47ની છે, જ્યારે પંજાબની પણ બહુ સારી નથી. એની સરેરાશ 23.90 છે.