
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો આજે અહીં ચેપૉક (CHEPAUK)ના હોમ-ગ્રાઉન્ડ પર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની વન-સાઇડેડ બની ગયેલી મૅચમાં ચેપૉકમાં પોતાના સૌથી નીચા સ્કોર (103/9) બાદ આઠ વિકેટે પરાજય થયો હતો. કેકેઆરની ટીમે 104 રનનો લક્ષ્યાંક 10.1 ઓવરમાં બે વિકેટના ભોગે 107 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. સુનીલ નારાયણે (SUNIL NARAINE) ત્રણ વિકેટ લીધા બાદ (44 રન, 18 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ના સ્કોર સાથે ઑલરાઉન્ડ મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું. તેણે ડિકૉક (23 રન) સાથે 46 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કેકેઆરની એક વિકેટ નૂર અહમદે અને બીજી અંશુલ કમ્બોજે લીધી હતી. રહાણે 20 રને અને રિન્કુ 15 રને અણનમ રહ્યો હતો.
એ પહેલાં, ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમે આજે અહીં ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર શરમમાં મુકાઈ જવું પડ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામેના આ મુકાબલામાં સીએસકેની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 103 રન બનાવી શકી હતી અને ચેપૉકમાં સીએસકેનું આ સૌથી નીચું ટોટલ છે. એટલું જ નહીં, આઇપીએલના ઇતિહાસમાં આ ત્રીજા નંબરનો સૌથી નીચો ટીમ-સ્કોર છે. શિવમ દુબેનો અણનમ 31 રનનો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો. વિજય શંકરે 29 રનનો ફાળો આપ્યો હતો.
ઈજાગ્રસ્ત ગાયકવાડની ગેરહાજરીમાં ધોનીએ આ મૅચમાં કૅપ્ટન્સી સંભાળી અને તે છેક નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને એક જ રન બનાવીને સ્પિનર સુનીલ નારાયણના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો. નારાયણે 13 રનમાં ત્રણ વિકેટ લઈને આ વખતની આઇપીએલમાં અસલ મિજાજમાં પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.
ઓપનર રચિન રવીન્દ્ર (ચાર રન), ડેવૉન કૉન્વે (12), રાહુલ ત્રિપાઠી (16) તેમ જ આર. અશ્વિન (1), રવીન્દ્ર જાડેજા (0) અને દીપક હૂડા (0) સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એ પહેલાં, અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં હવે આ આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચોમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમની કૅપ્ટન્સી સંભાળશે.