દિલ્હીએ પંતની ટીમને લખનઊમાં પણ હરાવી
માર્કરમ-માર્શની ભાગીદારી પાણીમાં, મુકેશ કુમારનો ચાર વિકેટનો તરખાટ

લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમે આજે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમને આઠ વિકેટથી હરાવી દીધી હતી. 160 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 161 રન બનાવ્યા હતા. આ અગાઉ 24મી માર્ચે દિલ્હીએ હોમ-ટાઉન વિશાખાપટનમમાં લખનઊને એક વિકેટે હરાવ્યું હતું. ઓપનર અભિષેક પોરેલ (51 રન, 36 બૉલ, એક સિક્સર, પાંચ ફોર), કેએલ રાહુલ (57 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને કૅપ્ટન અક્ષર પટેલે (34 અણનમ, 20 બૉલ, ચાર સિક્સર, એક ફોર) દિલ્હીની જીત આસાન બનાવી હતી.
એ પહેલાં, દિલ્હીના પેસ બોલર મુકેશ કુમાર (4-0-33-4)એ લખનઊની ટીમને મર્યાદિત રાખીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. લખનઊની ટીમે દિલ્હી સામે છ વિકેટે 159 રન કર્યા હતા. પંતને હથેળીમાં ઈજા થઈ હતી જેને લીધે તે છેક સાતમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને બીજા જ બૉલ પર ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. લખનઊની ઇનિંગ્સનો એ છેલ્લો બૉલ હતો. મુકેશ કુમારે (MUKESH KUMAR) તેને 20મી ઓવરના આખરી બૉલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
લખનઊએ બૅટિંગ મળ્યા બાદ શરૂઆત સારી કરી હતી, પણ 10મી ઓવરમાં ઓપનિંગ જોડી તૂટી ગયા બાદ બૅટિંગ લાઇન-અપ પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. એઇડન માર્કરમ (બાવન રન, 33 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને મિચલ માર્શ (45 રન, 36 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 10 ઓવરમાં 87 રનની ભાગીદારી થઈ હતી. જોકે લખનઊની પ્રથમ વિકેટ દિલ્હીની ટીમમાં પહેલી વાર સમાવવામાં આવેલા શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મન્થા ચમીરાએ લીધી હતી. તેણે માર્કરમને 72 મીટર દૂર બાઉન્ડરી લાઇનની નજીક ટ્રિસ્ટેન સ્ટબ્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
એ સાથે, લખનઊનો ધબડકો શરૂ થયો હતો. 12મી ઓવરમાં ટીમનો મુખ્ય બૅટ્સમૅન અને આ સીઝનમાં લખનઊના બૅટ્સમેનોમાં સૌથી વધુ 377 રન કરનાર નિકોલસ પૂરન દિલ્હીના મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. પૂરન આ સીઝનમાં દિલ્હી સામેની અગાઉની (24મી માર્ચની) મૅચમાં પણ સ્ટાર્કના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ત્યારે પૂરને 75 રન કર્યા હતા અને આજે ફક્ત નવ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
પૂરન પછી અબ્દુલ સામદ (બે રન) તેમ જ મિચલ માર્શ અને આયુષ બદોની (36 રન, 21 બૉલ, છ ફોર)એ વિકેટ ગુમાવી હતી.
બદોનીને માર્શના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. ડેવિડ મિલર 14 રન કરીને અણનમ રહ્યો હતો. દિલ્હી વતી મુકેશ કુમારની ચાર વિકેટ ઉપરાંત ચમીરા અને સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી.