
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR) સામે શનિવારે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ બે રનથી વિજય મેળવ્યો હતો. રાજસ્થાનની ટીમ 181 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 178 રન કરી શકી હતી. પેસ બોલર આવેશ ખાને ત્રણ વિકેટ લઈને લખનઊને છેલ્લી ઓવરમાં જિતાડ્યું હતું. તેણે 20મી ઓવરમાં નવ રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરમાં રાજસ્થાનના છ રન બની શક્યા હતા.
ઓપનર 23 વર્ષનો યશસ્વી જયસ્વાલ (74 રન, બાવન બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને 14 વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી (34 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) આ મૅચના બે હીરો હતા. જોકે તેમના રન અને કૅપ્ટન રિયાન પરાગના 39 રન પાણીમાં ગયા હતા. ખાસ કરીને વૈભવે જયપુર (JAIPUR)નું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે આ ડેબ્યૂ મૅચમાં પોતાના પ્રથમ બૉલમાં સિક્સર મારવાની સાથે કુલ ત્રણ છગ્ગા માર્યા હતા અને યશસ્વી સાથે 85 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી દીધી હતી.
એ પહેલાં લખનઊએ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન કર્યા હતા.
રાજસ્થાનના જોફ્રા આર્ચરની 19મી ઓવરમાં માત્ર સાત રન થયા હતા અને એ ઓવરને અંતે લખનઊનો સ્કોર પાંચ વિકેટે 153 રન હતો. જોકે રાજસ્થાનના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે 20મી ઓવરની જવાબદારી સંદીપ શર્માને આપી હતી જેની એ ઓવરમાં 27 રન બન્યા હતા. લખનઊના અબ્દુલ સામદે એ ઓવરના છેલ્લાં પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકારીને લખનઊનું ટોટલ ઘણું વધારી દીધું હતું.
લખનઊની બૅટિંગ લાઇન-અપમાં ત્રણ બૅટ્સમેનના મહત્ત્વના યોગદાન હતા.
એમાં ઓપનર એઇડન માર્કરમ (66 રન, 45 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), આયુષ બદોની (50 રન, 34 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને અબ્દુલ સામદ (30 અણનમ, 10 બૉલ, ચાર સિક્સર)નો સમાવેશ હતો. વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન કરનાર નિકોલસ પૂરન (11 રન) અને કૅપ્ટન રિષભ પંત (ત્રણ રન) સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. રાજસ્થાન વતી હસરંગાએ બે વિકેટ તેમ જ જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
રવિવારે કઈ બે મૅચ?
પંજાબ વિરુદ્ધ બેંગલૂરુ
મુલ્લાંપુરમાં, બપોરે 3.30
મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ
વાનખેડેમાં, સાંજે 7.30