આઇપીએલના વિદેશી ખેલાડીઓ પાછા ગયા ત્યાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ થયું!

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લીધે આઇપીએલ-2025 (IPL-2025)ની સીઝન ગુરુવાર, આઠમી મેએ અટકાવવામાં આવી અને અઠવાડિયામાં પાછી શરૂ કરાશે એવી જાહેરાતને પગલે આ સ્પર્ધામાં રમી રહેલા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ (OVERSEAS PLAYERS) શનિવારે પોતપોતાના દેશમાં જવા રવાના થયા ત્યાં તો સાંજે સમાચાર આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે.
આ સ્થિતિમાં અટકી પડેલી આઇપીએલ વહેલાસર પાછી શરૂ કરાશે એટલે પાછા ગયેલા ફોરેનના પ્લેયરોને તુરત પાછા બોલાવવામાં આવશે. ગુરુવારે ધરમશાલામાં પંજાબ-દિલ્હી (PBKS – DC) વચ્ચેની મૅચ પંજાબની ઇનિંગ્સની 10.1 ઓવરને અંતે 122/1ના સ્કોર સાથે અટકાવી દેવામાં આવી ત્યાર બાદ બીજા દિવસે (શુક્રવારે) જાહેરાત કરવામાં આવી હતી કે આઇપીએલને એક સપ્તાહ માટે મુલતવી રખાઈ છે.
રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) તરફથી શનિવારે સાંજે નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ` અમારા ખેલાડીઓ સલામત રીતે અમારા બેઝ સમાન સ્થળ બેંગલૂરુમાં પાછા આવી ગયા છે અને હવે તેઓ પોતપોતાના શહેરમાં અને દેશમાં પાછા જઈ રહ્યા છે.
આરસીબીના વિદેશી ખેલાડીઓમાં ટિમ ડેવિડ, લિઆમ લિવિંગસ્ટન, રોમારિયો શેફડે, જૅકબ બેથેલ, ફિલ સૉલ્ટ, જૉશ હૅઝલવૂડ, લુન્ગી ઍન્ગિડી અને નુવાન થુશારાનો સમાવેશ છે. ઍન્ડી ફ્લાવર આરસીબીનો હેડ-કોચ અને ઍડમ ગ્રિફિથ બોલિંગ-કોચ છે.
લખનઊની ટીમના કેટલાક વિદેશી ખેલાડીઓ પાછા જતા રહ્યા છે, જ્યારે અમુક પ્લેયરે થોડા વધુ દિવસમાં ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. મુંબઈ તથા કોલકાતાની ટીમના પણ ઘણા ખેલાડીઓ સ્વદેશ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.