ગુજરાતની પ્રથમ બૅટિંગ: બટલરની આજે ભૂતપૂર્વ ટીમ રાજસ્થાન સામે પરીક્ષા…
અમદાવાદમાં રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી, ખરાખરીનો જંગ ખેલાશે

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો છે. રાજસ્થાને ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ લીધી છે અને ગુજરાતને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો છે.
બંને ટીમમાં ઘણા મૅચ-વિનર્સ છે, પરંતુ જોસ બટલરના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે. ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટ્સમૅન બટલર અગાઉ સાત વર્ષ સુધી રાજસ્થાનની ટીમમાં હતો અને 3,000 રન બનાવ્યા હતા, પણ ગુજરાતે તેને હરાજીમાં 15.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો અને આજે તે એ જ પોતાની ભૂતપૂર્વ ટીમ સામે ગુજરાતને જિતાડવા કોઈ કસર બાકી નહીં રાખે.
બટલર આજે પોતાના જ ઘણા ભૂતપૂર્વ સાથીઓના હરીફ તરીકે રમશે. બટલર ઉપરાંત સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલના પર્ફોર્મન્સને લીધે જ ગુજરાતની ટીમ હાલમાં પોઇન્ટસ ટેબલમાં બીજા નંબરે છે જ્યારે રાજસ્થાનની ટીમ છેક સાતમા સ્થાન પર છે.
રાજસ્થાનની ટીમમાં યશસ્વી જયસ્વાલ ફરી ફોર્મમાં આવી ગયો છે અને કેપ્ટન સંજુ સેમસન સાથેની જોડીમાં ગુજરાતની ટીમને તેઓ ભારે પડી શકે. ગુજરાતની ટીમ છેલ્લી ત્રણેય મૅચ જીતી ચૂકી છે જ્યારે રાજસ્થાને છેલ્લી બે મૅચ જીતીને અમદાવાદમાં આગમન કર્યું છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સૅમસને હરાજીના સમારોહ પછી કહ્યું હતું કે બટલરને હરાજીમાં મૂકી દેવાનો નિર્ણય અમારા માટે સૌથી પડકારરૂપ હતો.
ગુજરાતનો ફાસ્ટ બોલર કેગિસો રબાડા અંગત કારણસર સ્વદેશ પાછો ગયો છે, પરંતુ તેના વિશે કંઈ અપડેટ નથી. તેની ગેરહાજરીમાં ઈશાંત શર્માને વધુ એક મૅચ રમવા મળી છે. ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ 600-પ્લસ વિકેટ લેનાર અફઘાનિસ્તાનનો રાશીદ ખાન ગુજરાતની ટીમમાં છે, પરંતુ છેલ્લી બે સીઝનથી તે અસલ ફોર્મમાં નથી જોવા મળ્યો.
યશસ્વી અને સૅમસન સહિતના રાજસ્થાનના બૅટ્સમેનની આજે મોહમ્મદ સિરાજ, રાશીદ ખાન અને પ્રસિદ્ધ ક્રિષ્ના સામે કસોટી થશે. બીજી તરફ, સુદર્શન, ગિલ અને બટલરની જોફરા આર્ચર અને થીકશાના સામે આજે પરીક્ષા છે.
શ્રીલંકાનો સ્પિનર વનિન્દુ હસરંગા અંગત કારણસર આ મૅચમાં નથી રમવાનો.
અમદાવાદનો પિચ રિપોર્ટ શું કહે છે?
અમદાવાદની પિચ જો કાળી માટીથી બનેલી હોય તો એના પર બૉલ ધીમો અને નીચો રહી જાય છે. જો પિચ લાલ માટીથી બનેલી હોય તો ફાસ્ટ બોલર્સને પેસ અને બાઉન્સ સારા મળે છે. આ મેદાન પર બૅટ્સમેનોએ ઓવર દીઠ 9.76ની સરેરાશે રન બનાવ્યા છે. એ રીતે અમદાવાદ આઇપીએલ (IPL)ના હાઇ સ્કોરિંગ મેદાનોમાં હૈદરાબાદ (10.16) પછી બીજા નંબરે છે.
બંને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ગુજરાત: શુભમન ગિલ (કેપ્ટન), બી. સાઈ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), શેરફેન રૂધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, આર. સાંઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઈશાંત શર્મા.
રાજસ્થાન: સંજુ સૅમસન (કેપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ, સીમરોન હેટમાયર, જોફરા આર્ચર, ફઝલહક ફારુકી, માહીશ થીકશાના, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.