સિરાજે રોહિતને ક્લીન બોલ્ડ કરીને તેને બતાવી તો દીધું જ!

અમદાવાદઃ શનિવારે અહીં આઇપીએલ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ગુજરાત ટાઇટન્સ (GT)એ 36 રનથી જીત મેળવી એ પહેલાં એમઆઇની ઇનિંગ્સની શરૂઆતની એક વિકેટ ચર્ચાસ્પદ થઈ હતી. એ વિકેટ હતી રોહિત શર્મા (Rohit Sharma)ની અને વિકેટ લેનાર હતો મોહમ્મદ સિરાજ (Mohammed Siraj).
આમ તો બન્ને પ્લેયર ભારતીય ટીમમાં સાથે ઘણી મૅચો રમી ચૂક્યા છે, પણ રોહિતની થોડા સમય પહેલાંની એક ટિપ્પણીને લઈને સિરાજે શનિવારે તેની જ વિકેટ લઈને જાણે તેની સાથે સાટું વાળી લીધું હતું. વાત એવી છે કે રોહિત થોડા સમય પહેલાં બોલ્યો હતો કે સિરાજ જૂના બૉલથી હરીફ ટીમના બૅટ્સમેન પર જોઈએ એવો પ્રભાવ નથી પાડી શકતો, જોઈએ એવી અસર નથી પાડી શકતો.
શનિવારે સિરાજને રોહિત સાથે બે રીતે હિસાબ ચૂકતે કરવાનો મોકો હતો. એક તો તે રોહિતની કમેન્ટથી ખફા’ હતો અને બીજું, તે આઇપીએલમાં ક્યારેય રોહિતને આઉટ નહોતો કરી શક્યો. અગાઉ સિરાજ તેની સામે જે 10 ઇનિંગ્સ રમ્યો એમાં રોહિતે તેના પંચાવન બૉલમાં 74 રન બનાવ્યા હતા, પણ સિરાજ ક્યારેય તેની વિકેટ નહોતો લઈ શક્યો. શનિવારે સિરાજનો પહેલો ડૉટ-બૉલ હતો અને પછીના બે બૉલમાં રોહિતે ફોર ફટકારી હતી. ચોથા બૉલમાં સિરાજે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. રોહિતની આટલી બધી વહેલી વિકેટ પડતી જોઈને ઇન્ટરનેટ પર એક ક્રિકેટપ્રેમીએ લખ્યું,સિરાજની ક્યાં વાત કરે છે, રોહિત તું પોતે નવા બૉલમાં બૅટિંગમાં પ્રભાવ નથી પાડી શકતો.’
આપણ વાંચો : સિરાજે રોહિતને પહેલી વાર આઉટ કર્યો, પણ હાર્દિકે હરીફ કેપ્ટન ગિલને…
સિરાજને જ્યારે થોડા અઠવાડિયા પહેલાં એક ઇન્ટરવ્યૂમાં રોહિતની કમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે `હું જૂના અને નવા, બન્ને બૉલમાં ઘાતક બોલિંગ કરી શકું છું.’