IPL 2025

સુદર્શન, ગિલ, બટલરે ગુજરાતને 196/8નો સ્કોર અપાવ્યો…

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે આઇપીએલના રોમાંચક મુકાબલામાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા. ઓપનર સાઇ સુદર્શન (63 રન, 41 બૉલ, 93 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) એમઆઇની ટીમને સૌથી વધુ નડ્યો હતો.

સુદર્શન દોઢ કલાક કરતાં પણ વધુ સમય ક્રીઝ પર રહ્યો હતો. તેણે કૅપ્ટન શુભમન ગિલ (38 રન, 27 બૉલ, 40 મિનિટ, એક સિક્સર, ચાર ફોર) સાથે 78 રનની ભાગીદારી કરી હતી. ગુજરાતના બૅટર્સે બૅટિંગ મળ્યા બાદ આતશબાજી માટે જાણીતા સનરાઇઝર્સ હૈદરાબાદના ટૉપ-ઑર્ડરની માફક ફટકાબાજી શરૂ કરી દીધી હતી. સુદર્શન અને ગિલ વચ્ચેની 78 રનની ઓપનિંગ ભાગીદારી બાદ સુદર્શનની જૉશ બટલર (39 રન, 24 બૉલ, પચીસ મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) સાથે બીજી વિકેટ માટે 51 રનની પાર્ટનરશિપ થઈ હતી.

જોકે એ પહેલાં કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ નવમી ઓવરમાં હરીફ સુકાની શુભમન ગિલ (Shubhman gill)ને નમન ધીરના હાથમાં કૅચઆઉટ કર્યો એ સાથે ગુજરાતની આતશબાજીને થોડી બે્રક લાગી હતી. ગુજરાતની શરૂઆતની બૅટિંગ જોતાં લાગતું હતું કે તેઓ 250 જેટલો સ્કોર કરશે. જોકે ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેનને બાદ કરતા પછીથી ફક્ત શેરફેન રુધરફર્ડ (18 રન, 11 બૉલ, બે સિક્સર)એ મુંબઈના બોલર્સનો થોડો હિંમતથી સામનો કર્યો હતો અને સ્કોર 200 રનની નજીક પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો : રિયાન પરાગે ફૅનને 10,000 રૂપિયા ચૂકવ્યા હતા? આકાશ ચોપડાએ અટકળને ફગાવી દીધી…

એમ. શાહરુખ ખાન નવ રન અને રાશિદ ખાને ફક્ત છ રન બનાવ્યા હતા, જ્યારે રાહુલ તેવાટિયા એકેય બૉલનો સામનો કર્યા વગર હાર્દિકના હાથે રનઆઉટ થઈ ગયો હતો. મુંબઈ વતી હાર્દિકે બે વિકેટ તેમ જ અફઘાની બોલર મુજીબ-ઉર-રહમાન, ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર અને પેસ બોલર સત્યનારાયણ રાજુએ એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button