IPL 2025ટોપ ન્યૂઝ

અમદાવાદમાં ગુજરાતનો ડંકો વાગ્યો, મુંબઈ ફરી પરાજિત…

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે (શનિવારે) અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ખરાખરીના ખેલમાં 36 રનથી હરાવી દીધું હતું. એ સાથે, અમદાવાદમાં જીટી સામે પરાજિત થવાની પરંપરા એમઆઇએ જાળવી રાખી હતી. જીટીએ બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા જેના જવાબમાં એમઆઇની ટીમ છ વિકેટે 160 રન બનાવી શકી હતી.

રોહિત શર્મા (આઠ રન) અને રાયન રિકલ્ટન (છ રન) ફરી નિષ્ફળ ગયા અને ખરાબ ઓપનિંગને પગલે બધો બોજ મિડલ-ઑર્ડર પર આવી ગયો હતો. તિલક વર્મા (39 રન, 36 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને આંખમાં ઈજા થવા છતાં ખમીર બતાવીને લડાયક પર્ફોર્મ કરનાર સૂર્યકુમાર યાદવ (48 રન, 28 બૉલ, ચાર સિક્સર, એક ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. જોકે 97મા કુલ સ્કોર પર પ્રસિદ્ધ ક્રિષ્નાએ તિલકને લૉન્ગ ઑન પર તેવાટિયાના હાથમાં કૅચઆઉટ કરાવતાં જ એમઆઇની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. હાર્દિક 11 રન બનાવીને રબાડાના બૉલમાં સિરાજના હાથમાં કૅચઆઉટ થયો હતો.

બુમરાહની ગેરહાજરીમાં એમઆઇની બોલિંગ નબળી પડી જ છે, બૅટિંગ લાઇન-અપ પણ અસરદાર નથી જેને લીધે એમઆઇએ ઉપરાઉપરી બીજી હાર જોવી પડી છે. એ અગાઉ, ટૉસ વખતે અમદાવાદના સ્ટેડિયમમાંથી હજારો લોકોએ હાર્દિકને ચિયર-અપ કર્યો હતો અને મૅચ દરમ્યાન પણ લોકોએ આ ભારતીય ઑલરાઉન્ડરને ઉત્સાહિત કરવા તેના નામની બૂમો પાડી હતી. જીટીના બોલર સાઇ કિશોર સાથે થોડી ઉગ્રતા બતાવનાર હાર્દિકને આ મૅચમાં ફટકાબાજી કરીને હીરો બનવાનો મોકો હતો જે તેણે ગુમાવ્યો હતો.

જીટીના 196 રનમાં ઓપનર સાઇ સુદર્શન (63 રન, 41 બૉલ, 93 મિનિટ, બે સિક્સર, ચાર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. તેણે કૅપ્ટન શુભમન ગિલ (38 રન, 27 બૉલ, 40 મિનિટ, એક સિક્સર, ચાર ફોર) સાથે 78 રનની ભાગીદારી કરી હતી. જૉશ બટલર (39 રન, 24 બૉલ, પચીસ મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) સાથે બીજી વિકેટ માટે સુદર્શને 51 રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે એ પહેલાં કૅપ્ટન હાર્દિક પંડ્યાએ નવમી ઓવરમાં હરીફ સુકાની શુભમન ગિલને નમન ધીરના હાથમાં કૅચઆઉટ કર્યો એ સાથે ગુજરાતની આતશબાજીને થોડી બે્રક લાગી હતી.

મુંબઈ વતી હાર્દિકે બે વિકેટ તેમ જ અફઘાની બોલર મુજીબ-ઉર-રહમાન, ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર અને પેસ બોલર સત્યનારાયણ રાજુએ એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button