IPL 2025

હાર્દિકનું આવતી કાલે અમદાવાદના રણમેદાન પરથી કમબૅક…

ગુજરાત સામે મુંબઈનો મુકાબલો સૌથી રોમાંચક બની શકે

અમદાવાદઃ અહીં મોટેરા ખાતે ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (સાંજે 7.30 વાગ્યાથી) આઈપીએલ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મુકાબલો છે જે આ બે ટીમ વચ્ચેના અત્યાર સુધીના તમામ મુકાબલાઓમાં સૌથી રોમાંચક બની શકે એના કેટલાક કારણો છે.

હાર્દિક પંડ્યા (HARDIK PANDYA) સ્લો ઓવર-રેટને લીધે લાગુ કરાયેલા એક મૅચના સસ્પેન્શન બાદ આવતી કાલથી ફરી આઇપીએલમાં પોતાની કાબેલિયત અને ક્ષમતા બતાવવા આવી રહ્યો છે. એમઆઇનો આ કૅપ્ટન 2023ની સાલ સુધી જીટીનો સુકાની હતો અને એને તેણે એક ટાઇટલ અપાવ્યું હતું. હવે હાર્દિકે એ જ ભૂતપૂર્વ ટીમ સામે આવતી કાલે જીતવાનું છે જે તેના માટે મોટી કસોટી બની રહેશે.

આ વખતે એમઆઇની જેમ શુભમન ગિલના સુકાનમાં જીટીની ટીમ પણ પહેલી જીત મેળવવા તત્પર છે એટલે આવતી કાલે બે પરાજિત ટીમ વચ્ચે થનારી ટક્કરમાં જીતનારી ટીમ પહેલા બે પૉઇન્ટ મેળવશે. એમઆઇનો 23મી માર્ચે પ્રથમ મૅચમાં સીએસકે સામે ચાર વિકેટે પરાજય થયો હતો. જીટીનો પંજાબ કિંગ્સ સામેના થ્રિલરમાં 11 રનથી પરાજય થયો હતો.

એમઆઇની ટીમને પ્રથમ મૅચ પછી લગભગ અઠવાડિયાનો બે્રક મળ્યો જેમાં એમઆઇના ખેલાડીઓ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી ખાતે ગયા હતા જ્યાં તેમણે અનેક સુવિધાઓ ધરાવતી યુનિટમાં આરામ કર્યો હતો તેમ જ ટીમમાં આપસમાં તાલમેલ વધારવા તેમ જ મેદાન પર પર્ફોર્મન્સ સુધારવાને લગતી પ્રવૃત્તિઓ કરી હતી તેમ જ નેટ પ્રૅક્ટિસ પણ કરી હતી.

એમઆઇને હજી પણ જસપ્રીત બુમરાહની ખોટ ખૂબ વર્તાઈ રહી છે. હાર્દિક કમબૅક કરી રહ્યો હોવાથી નવા ખેલાડી રૉબિન મિન્ઝને આવતી કાલે કદાચ પડતો મૂકવામાં આવશે. અમદાવાદના આ મેદાન પર જીટી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચમાં કુલ 475 રન બન્યા હોવાથી આવતી કાલની મૅચ પણ હાઈ-સ્કોરિંગ બની રહેવાની ધારણા છે. મંગળવાર, પચીસમી માર્ચે પંજાબે પાંચ વિકેટે 243 રન બનાવ્યા બાદ જીટીની ટીમ પાંચ વિકેટે 232 રન બનાવી શકી હતી અને પંજાબનો 11 રનથી વિજય થયો હતો.

જીટીની ટીમ આવતી કાલે ટોચના સ્પિનર વૉશિંગ્ટન સુંદરને રમવાનો મોકો આપશે? જોકે એમાં શંકા છે. કારણ એ છે કે રાશિદ ખાન ટીમનો સર્વોત્તમ સ્પિનર છે, જ્યારે બીજા સ્પિનર આર. સાઇ કિશોરે પંજાબ સામે મંગળવારે 30 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : `ધોનીનું વધુ પડતું વળગણ સારું નહીં’ એવું અંબાતી રાયુડુ કેમ કહે છે?

મુંબઈ વતી આવતી કાલે પણ કેરળનો યુવા સ્પિનર વિજ્ઞેશ પુથુર ચમકશે કે કેમ એ જોવું રહ્યું. 23મી માર્ચે ચેન્નઈ સામે તેણે ત્રણ વિકેટ લઈને યાદગાર ડેબ્યૂ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button