હજારો પ્રેક્ષકોની ચીસો વચ્ચે સીએસકે જીત્યું ટૉસ, પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી…

ચેન્નઈઃ અહીં આઈપીએલ (IPL 2025)માં ચેપૉક ખાતેના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેને પગલે રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને પ્રથમ બૅટિંગ કરવાની તક મળી હતી.
સિક્કો ઉછળતાં જ પાટીદારે હેડ’નો કૉલ આપ્યો હતો, પણટેઇલ’ પડતાં ગાયકવાડે અગાઉથી નક્કી કર્યા મુજબ પહેલાં ફીલ્ડિંગ લીધી હતી. બન્ને ટીમે પ્લેઇંગ-ઇલેવન (Playing Eleven)માં એક-એક ફેરફાર કર્યો છે. ચેન્નઈએ એલિસના સ્થાને ફરી પથિરાનાને ટીમમાં સમાવ્યો છે. બેંગલૂરુએ રસિખ સલામના સ્થાને ભુવનેશ્વર કુમારને ઇલેવનમાં સામેલ કર્યો છે.
ચેપૉકના આ સ્ટેડિયમની પિચ વિશે થોડું જાણી લઈએ. મૅથ્યૂ હેડનના મતે ગુરુવાર રાત્રે થોડો ભેજ હોવાને લીધે પિચ પર થોડી અસર થઈ હતી. જોકે આજે ટૉસ સુધીમાં ભેજ નહોતો, પરંતુ સીએસકેનો સુકાની ગાયકવાડ માને છે કે તેની ટીમ કોઈ પણ લક્ષ્યાંકને ચેઝ કરવા તૈયાર છે.
એવું મનાય છે કે બેંગલૂરુ માટે આ પિચ પર 200 રન બનાવવા મુશ્કેલ છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન પિચથી 67થી 73 મીટર દૂર છે. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન માટે ઑફ સાઇડની બાઉન્ડરી લાઇન 70 મીટર દૂર હશે, જ્યારે લેગ સાઇડની બાઉન્ડરી લાઇન 63 મીટર દૂર કહેવાશે. અન્યત્ર દિશાની બાઉન્ડરી લાઇન 60થી 64 મીટર દૂર છે.
આરસીબીના કૅપ્ટન પાટીદારે કહ્યું છે કે `અમે ટૉસ જીત્યા હોત તો અમે પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. જોકે આ મૅચ અત્યંત રોમાંચક બની રહેશે, કારણકે બન્ને ટીમ (આરસીબી અને સીએસકે) લોકોમાં સૌથી લોકપ્રિય છે.
આ પણ વાંચો : રોહિત, તિલક, સૂર્યાએ મજાકમાં કોને ટિંગાટોળી કરીને સ્વિમિંગ-પૂલમાં ફેંકી દીધો?
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન શું છેઃ
બેંગલૂરુઃ વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કૅપ્ટન), લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ સુયશ શર્મા, રસિખ સલામ, મનોજ ભંડાગે, જૅકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ.
ચેન્નઈઃ રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), દીપક હૂડા, સૅમ કરૅન, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર. અશ્વિન, નૂર અહમદ, મથીશા પથિરાના અને ખલીલ અહમદ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શિવમ દુબે, કમલેશ નાગરકોટી, વિજય શંકર, જૅમી ઓવર્ટન, શેખ રાશીદ.



