નીતીશ રાણા 141 બૉલ બાદ છેક હવે અશ્વિનની જાળમાં ફસાયો, રાજસ્થાનના 182/9

ગુવાહાટીઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેના મુકાબલામાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા. નીતીશ રાણા (81 રન, 36 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)નું આ સાધારણ ટોટલમાં સૌથી મોટું યોગદાન હતું. તે પહેલી બન્ને મૅચમાં સદંતર ફ્લૉપ (11 અને 8 રન) ગયા બાદ આ મૅચમાં મોટી ઇનિંગ્સ રમવામાં સફળ થયો હતો. ચેન્નઈ વતી ત્રણ બોલર (ખલીલ અહમદ, નૂર અહમદ, મથીશા પથિરાના)એ બે-બે વિકેટ લીધી હતી.
રવિચન્દ્રન અશ્વિન લાંબા સમય બાદ પહેલી વાર આઇપીએલમાં નીતીશ રાણાને આઉટ કરવામાં સફળ થયો હતો. અગાઉ અશ્વિનના 141 બૉલમાં ક્યારેય નીતીશ રાણાએ વિકેટ નહોતી ગુમાવી, પણ આ મૅચમાં નીતીશ રાણા (Ntish Rana) સામેના 142મા બૉલમાં અશ્વિને તેને જાળમાં આબાદ ફસાવ્યો હતો. વાઇડમાં રાણા વહેલો ક્રીઝની બહાર નીકળી ગયો હતો અને વિકેટકીપર એમએસ ધોનીએ પળવારમાં બૉલ પોતાના કબજામાં લઈને રાણાને સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો. અશ્વિનને 46 રનમાં એકમાત્ર રાણાની આ બહુમૂલ્ય વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા હરીફ ટીમના સ્પિન-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાની વિકેટ લેવામાં સફળ થયો હતો.
રાણા ક્રીઝમાં હતો ત્યાં સુધી તેની આતશબાજી પરથી લાગતું હતું કે રાજસ્થાનની ટીમ 200 રનના આંક પર પહોંચી જશે. જોકે 12મી ઓવરમાં ધોની સાથે મળીને વ્યૂહ ઘડીને બોલિંગ કરવા આવેલો અશ્વિન ત્રાટક્યો હતો અને રાણાને પૅવિલિયન ભેગો કર્યો એ સાથે રાજસ્થાનની 200 રનની આશા પર પાણી ફરી વળ્યું હતું. ટીમનો મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસન 20 રન અને કાર્યવાહક સુકાની રિયાન પરાગ 28 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 37 રન બનાવી શક્યો હતો.
ધ્રુવ જુરેલ ફક્ત ત્રણ રન બનાવ્યા બાદ નૂર અહમદના બૉલમાં પથિરાનાને કૅચ આપી બેઠો હતો, જ્યારે સાતમા નંબર પર મોકલવામાં આવેલા શિમરોન હેટમાયરે 19 રન બનાવ્યા ત્યાં તો પથિરાનાના બૉલમાં અશ્વિન એક્સ્ટ્રા કવર પરથી બૅક-પેડલિંગની સ્ટાઇલમાં દોડી આવ્યો હતો અને હેટમાયરનો કૅચ પકડી લીધો હતો. એ પહેલાં, ઓપનર યશસ્વી જયસ્વાલ (ચાર રન, ત્રણ બૉલ, એક ફોર) સતત ત્રીજી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. પેસ બોલર ખલીલ અહમદના બૉલમાં મિડ-ઑફમાં આર. અશ્વિને યશસ્વીનો કૅચ ઝીલ્યો હતો.
આપણ વાંચો : સુરતની સાત વર્ષની પ્રજ્ઞિકાએ શતરંજમાં રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ
યશસ્વીએ 23મી માર્ચે હૈદરાબાદ સામે ફક્ત એક રન બનાવ્યો હતો અને 26મી માર્ચે કોલકાતા સામે 29 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન એ બન્ને મૅચ હારી ગયું હતું. ચેન્નઈએ આ મૅચ માટે પ્લેઇંગ-ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. સૅમ કરૅનના સ્થાને જૅમી ઓવર્ટનને અને દીપક હૂડાના સ્થાને વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પહેલી બન્ને મૅચ હારી જનાર રાજસ્થાને એ જ ઇલેવન જાળવી રાખી હતી.