
ચેન્નઈઃ અહીં ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે આઈપીએલ (IPL)ના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 50 રનથી શાનદાર વિજય થયો હતો. આરસીબીએ સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને કારણે 20 ઓવરમાં આઠ વિકેટે 146 રન બનાવી શકી હતી અને પરાસ્ત થઈ હતી. ખરેખર તો આરસીબીના સાધારણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ અને એણે આપેલા 197 રનના સાધારણ લક્ષ્યાંક સામે ઋતુરાજ ગાયકવાડની ટીમ ઝૂકી ગઈ હતી.

સીએસકેએ 197 રનનો ટાર્ગેટ મળ્યા બાદ આઠમા રન પર ઉપરાઉપરી બે વિકેટ (રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ) વિકેટ પડી હતી. ત્યાર બાદ કોઈ જ મોટી ભાગીદારી ન થઈ અને પરિણામ એ આવ્યું કે મૅચ-વિનર તરીકે જાણીતા બે ખેલાડી રવીન્દ્ર જાડેજા (25 રન) અને એમએસ ધોની (30 અણનમ) પર પ્રચંડ બોજ આવી ગયો હતો. 99મા રને અશ્વિનની સાતમી વિકેટ પડી ત્યારે સીએસકેએ 28 બૉલમાં બાકીના 98 રન બનાવવાના હતા જે ધોની-જાડેજા માટે સંભવ નહોતું. ઓપનર રચિન રવીન્દ્રના 41 રન સીએસકેની ટીમમાં હાઈએસ્ટ હતા.
એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 196 રન બનાવ્યા હતા. આરસીબીના દિગ્ગજો સાધારણ સ્કોર નોંધાવી શક્યા હતા, જ્યારે કૅપ્ટન રજત પાટીદારે (51 રન, 32 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) કંઈક અસરદાર રમ્યો હતો અને પોતાની ટીમને 200 રનની નજીક પહોંચાડવામાં તેનું સૌથી મોટું યોગદાન હતું.
ફરી એક વાર અફઘાનિસ્તાનનો લેફ્ટ-આર્મ સ્પિનર નૂર અહમદ ટીમના તમામ બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ થયો હતો. તેણે 23મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામેની મૅચમાં 18 રનમાં ચાર વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. બેંગલૂરુ સામેની આ મૅચમાં નૂર અહમદે 36 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાનાએ બે વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 37 રનમાં અને સૅમ કરૅનને 34 રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ ખલીલ અહમદ, રવિચન્દ્રન અશ્વિન એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા.
આરસીબીને સૌથી વધુ આધાર આ ટૂર્નામેન્ટની પ્રથમ મૅચના વિનર વિરાટ કોહલી પર હતો. તે 30 બૉલમાં 31 રન બનાવીને નૂર અહમદના બૉલમાં રચિન રવીન્દ્રના હાથમાં કૅચઆઉટ થયો હતો. તેણે સાથી ઓપનર ફિલ સૉલ્ટ (32 રન) સાથે મળીને પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી જે આખી ઇનિંગ્સમાં હાઇએસ્ટ હતી. કોહલીએ કૅપ્ટન રજત પાટીદાર સાથે 41 રનની પાર્ટનરશિપ કરી હતી.
એ અગાઉ, સીએસકેના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેને પગલે રજત પાટીદારના સુકાનમાં આરસીબીને પ્રથમ બૅટિંગ કરવાની તક મળી હતી. બન્ને ટીમે પ્લેઇંગ-ઇલેવનમાં એક-એક ફેરફાર કર્યો હતો. ચેન્નઈએ એલિસના સ્થાને ફરી પથિરાનાને ટીમમાં સમાવ્યો હતો. બેંગલૂરુએ રસિખ સલામના સ્થાને ભુવનેશ્વર કુમારને ઇલેવનમાં સામેલ કર્યો હતો.