પ્રિયાંશ આર્ય પર પ્રીતિ ઝિંટા થઈ ઓળઘોળ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ…

ચંદીગઢઃ આઈપીએલમાં પંજાબની ટીમે ચેન્નઈને હરાવ્યાના બે દિવસ પછી પણ નવોદિત ઓપનર પ્રિયાંશ આર્યના ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે, ત્યારે આજે ટીમની માલિક પ્રીતિ ઝિંટાએ પ્રિયાંશ માટે પોસ્ટ લખી નાખી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે તોફાની સદી ફટકારીને પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે. પ્રીતિએ યુવા બેટ્સમેનની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ક્રિકેટની આ વિસ્ફોટક રમતમાં એક નવો શાઈનિંગ સ્ટાર જોયો. પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પ્રિયાંશ આર્યએ 39 બોલમાં સદી ફટકારી હતી, જે IPLના ઇતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી છે.
પ્રીતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાંશ સાથેની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, “ગઈકાલની રાત અમારા માટે બહુ સ્પેશયલ રહી. અમારી ટીમ વિસ્ફોટક રમતની સાક્ષી રહી અને એક લેજન્ડની ગર્જના અને એક ચમકતા તારાનો જન્મ થતા જોયો. પ્રિયાંશના વખાણ કરતા પ્રીતિ ઝિંટા થાકી નહોતી અને લાંબી લચક પોસ્ટ લખી નાખી હતી.
પ્રીતિએ વધુમાં લખ્યું હતું કે હું થોડા દિવસો પહેલા 24 વર્ષીય પ્રિયાંશ આર્યને અમારા કેટલાક અન્ય યુવા ખેલાડીઓ સાથે મળી હતી. તે શાંત, શરમાળ અને વિનમ્ર હતો અને આખી સાંજ એક પણ શબ્દ બોલ્યો નહોતો.
આગળ પ્રીતિએ લખ્યું હતું કે ગઈકાલે રાત્રે હું તેને મેચ દરમિયાન ફરીથી મળી હતી અને એ વખતે તેની આક્રમક બેટિંગ શૈલીએ માત્ર મને જ નહીં, પરંતુ સમગ્ર ભારતને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે 42 બોલમાં 103 રન બનાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. અમને તેના પર ગૌરવ છે, ખુશ રહો. તે ફક્ત મારું જ નહીં પણ મેચ જોનારા તમામ લોકોનું મનોરંજન કર્યું હતું. આ માટે આભાર. પ્રીતિ ઝિંટાએ લાંબી પોસ્ટ લખ્યા પછી ઈવન પ્રિયાંશ આર્યની વોલ પર પ્રીતિએ પોસ્ટ શેર કરી છે, જ્યારે બંનેને લાખો લોકોએ લાઈક આપવાની સાથે સેંકડોએ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
આર્યની આઈપીએલની ચોથી ઇનિંગ્સમાં શાનદાર સદીએ ટી20 ફ્રેન્ચાઇઝી લીગના વિશ્વના સૌથી મોટા મંચ પર તેના આગમનનો સંકેત આપ્યો છે. IPL 2025 માટે પંજાબ કિંગ્સમાં જોડાતા પહેલા આર્યએ ભોપાલથી 20 કિમી દૂર લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં સંજય ભારદ્વાજ પાસે તાલીમ લીધી હતી.
આપણ વાંચો : સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યા પછી પ્રિયાંશ આર્યએ કેપ્ટન અંગે આ શું કહી નાખ્યું?