પુજારાને સ્ટીફન ફ્લેમિંગના કયા નિવેદનથી ખૂબ નવાઈ લાગી?
આરસીબીના હાથે સીએસકેનો ચેન્નઈમાં સૌથી મોટા માર્જિનથી પરાજયઃ ધોની અને જાડેજાના નવા વિક્રમ

ચેન્નઈઃ શુક્રવારે અહીં ચેપૉકમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ 17 વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવવામાં સફળતા મેળવી ત્યાર બાદ સીએસકેના હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે (Stephen Fleming) તેની ટીમને ઘરઆંગણાનો કોઈ જ લાભ નહોતો મળ્યો એવી જે કમેન્ટ કરી એનાથી સીએસકેના જ ભૂતપૂર્વ ખેલાડી અને ભારતના ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara )ને ખૂબ નવાઈ લાગી છે.
આરસીબીએ બૅટિંગ મળ્યા પછી સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 146 રન બનાવ્યા હતા અને આરસીબીનો 50 રનથી વિજય થયો હતો. ચેન્નઈમાં સીએસકેની (રનની ગણતરીએ) એ સૌથી ખરાબ હાર હતી. સીએસકેની ટીમ અગાઉ 50થી વધુ રનના માર્જિનથી ફક્ત બે વાર હારી હતી અને એ બન્ને મૅચ ચેન્નઈમાં નહીં, પણ અન્યત્ર રમાઈ હતી. 2013માં વાનખેડેમાં મુંબઈ સામે સીએસકેનો 60 રનથી અને 2022માં બે્રબર્ન સ્ટેડિયમમાં પંજાબ સામે સીએસકેનો 54 રનથી પરાજય થયો હતો.
આરસીબીએ સીએસકેને ચેન્નઈના ચેપૉકમાં હરાવ્યું હોય એવું આ પહેલાં છેક 2008માં (આઇપીએલના પ્રથમ વર્ષમાં) બન્યું હતું. સીએસકેના ખેલાડી તરીકે નિવૃત્તિ થયા પછી પણ વર્ષોથી કોચ તરીકે સીએસકે સાથે જોડાયેલા ફ્લેમિંગના નિવેદન વિશે પુજારાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે `સીએસકે એક એવું ફ્રૅન્ચાઇઝી છે જે પોતાની ટીમની તાકાતને આધારે એને માટેની પિચ તૈયાર કરતું હોય છે એટલે શુક્રવારે સીએસકે માટે હોમ ઍડવાન્ટેજ જેવું કંઈ નહોતું એવું સાંભળીને મને નવાઈ લાગી છે.’
આરસીબીએ આ પહેલાં સીએસકે સામે લાગલગાટ આઠ મૅચમાં પરાજય જોયો હતો, પરંતુ શુક્રવારે સીએસકેના ગઢ ચેન્નઈમાં જ રજત પાટીદારના સુકાનમાં આરસીબીએ એ પરંપરા તોડી હતી. દરમ્યાન એમએસ ધોની શુક્રવારે છેક નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને 16 બૉલમાં બે સિક્સર, ત્રણ ફોરની મદદથી બનાવેલા 30 રને અણનમ રહ્યો હતો. ધોનીના સીએસકે વતી હવે કુલ 4,699 રન થયા છે અને આ ટીમ વતી રમી ચૂકેલા તમામ બૅટ્સમેનમાં તે હવે હાઇએસ્ટ રનકર્તા છે. તેણે સુરેશ રૈનાનો 4,687 રનનો વિક્રમ તોડ્યો છે.
આ પણ વાંચો : ધોની 9માં ક્રમે બેટિંગમાં આવતા ભડક્યાં ક્રિકેટ દિગ્ગજો, કહ્યું- સીએસકેના મેનેજમેન્ટમાં હિંમત નથી કે…
રવીન્દ્ર જાડેજા આઇપીએલમાં કુલ 3,000 રન કરવા ઉપરાંત 100 વિકેટ લેનાર પહેલો જ ખેલાડી બન્યો છે. શુક્રવારે આરસીબી સામેની મૅચમાં તે વિકેટ નહોતો લઈ શક્યો, પરંતુ પછીથી તેણે પચીસ રન બનાવ્યા હતા અને આ અનોખો વિક્રમ નોંધાવ્યો હતો.