IPL 2025

હૈદરાબાદના બૅટર્સ હોમ-ગ્રાઉન્ડમાં જ અસ્સલ પ્રભાવ પાડવામાં નિષ્ફળ

લખનઊ સામે 20 ઓવરમાં 190/9ઃ અનિકેતના 36 રનમાં પાંચ સિક્સર, શાર્દુલની ચાર વિકેટ

હૈદરાબાદઃ આઇપીએલ (IPL 18)ની અઢારમી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સ ગયા વર્ષથી ધમાકેદાર ફટકાબાજી કરવામાં માહિર રહ્યા છે અને આ વખતે તેમણે પહેલી જ મૅચમાં 286/6નો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો, પણ આજે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) તેઓ થોડા ઝૂકી ગયા હતા. 20 ઓવરમાં હૈદરાબાદની ટીમ નવ વિકેટે 190 રન બનાવી શકી હતી અને લખનઊને 191 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. લખનઊના મુખ્ય પેસ બોલર શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) 34 રનમાં ચાર વિકેટ લીધી હતી.

ગઈ સીઝનમાં ઉપરાઉપરી મૅચમાં 200-પ્લસ રન બનાવનાર હૈદરાબાદ વતી આજે એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ શકી. ઓપનર ટ્રૅવિસ હેડ (47 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) પેસ બોલર પ્રિન્સ યાદવના બૉલમાં ક્લીન બોલ્ડ થયો એ સાથે લખનઊના માથેથી મોટી ઘાત ગઈ હતી. હેડના એ 47 રન ટીમમાં હાઈએસ્ટ હતા. બીજો કોઈ બૅટર 40 રન પણ નહોતો કરી શક્યો. અનિકેત વર્મા (36 રન, 13 બૉલ, પાંચ સિક્સર)એ ટૂંકી ઇનિંગ્સમાં ગજબની ફટકાબાજી કરી હતી. તેના 36 રનમાં પાંચ સિક્સરથી બનેલા 30 રન સામેલ હતા. તેનો સ્ટ્રાઇક-રેટ 276.92 હતો.

આ પણ વાંચો: જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા

નીતીશ કુમાર રેડ્ડીએ 28 બૉલમાં 32 રન અને વિકેટકીપર હિન્રિક ક્લાસેને 17 બૉલમાં 26 રન બનાવ્યા હતા.
કૅપ્ટન પૅટ કમિન્સે તમામ 18 રન ત્રણ સિક્સરની મદદથી બનાવ્યા હતા. હર્ષલ પટેલ 12 રને અણનમ રહ્યો હતો.
આ સાતમી મૅચ છે જેમાં લખનઊના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. જોકે 15 રનમાં હૈદરાબાદે બે વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા છ રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ બીજા જ બૉલમાં શાર્દુલે પાછલી મૅચના સેન્ચુરિયન ઇશાન કિશન (0)ને પંતના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો.

લખનઊની ટીમે ફેરફાર કર્યો હતો. ફરી ફિટ થઈ ગયેલા પેસ બોલર આવેશ ખાનને સ્પિનર શાહબાઝ અહમદના સ્થાને રમવાનો મોકો અપાયો હતો.

હૈદારબાદની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button