પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવી એ મારા માટે સાવ સામાન્ય વાત છેઃ વૈભવ સૂર્યવંશી
બિહારનો 14 વર્ષનો ઓપનર બોલ્યો, `બૉલ મારા રડારમાં આવે એટલી વાર…દૂર ફટકારી જ દઉં'

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ના માત્ર 14 વર્ષની ઉંમરના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર શૉટ્સથી ક્રિકેટજગત મંત્રમુગ્ધ થઈ ગયું, પરંતુ ખુદ સૂર્યવંશીને પોતાની કાબેલિયતનું જરાય અભિમાન નથી. ખાસ કરીને 19મી એપ્રિલે આઇપીએલની પોતાની ડેબ્યૂ મૅચમાં તેણે પહેલા જ બૉલ પર જે સિક્સર ફટકારી હતી એને તે સામાન્ય બાબત’ ગણાવે છે અને ચમક-દમકની તેના માનસ પર જરાય વિપરીત અસર નથી થઈ. તેણે પોતાના પર્ફોર્મન્સ પર જ એકાગ્રતા રાખી છે જેનું પરિણામ એ આવ્યું કે સોમવારે તે ઐતિહાસિક સેન્ચુરી ફટકારી શક્યો અને રાજસ્થાનની ટીમને પ્લે-ઑફની રેસની બહાર જતા રોકી હતી. 14 વર્ષની ઉંમરે ટી-20માં સદી ફટકારનાર સૌથી યુવાન ખેલાડી બનેલા સૂર્યવંશીએ આઇપીએલમાં સૌથી ઓછા 35 બૉલમાં સદી ફટકારવાનો ભારતીય વિક્રમ પણ નોંધાવ્યો છે. તેણે એ દિવસે 38 બૉલમાં 11 સિક્સર, 7 ફોરની મદદથી 101 રન કર્યા હતા. તેણે 94 રન બાઉન્ડરીઝ (છગ્ગા-ચોક્કા)માં બનાવ્યા હતા જે પણ નવો વિક્રમ છે. સોમવારે આઇપીએલમાં સૂર્યવંશીની ત્રીજી જ ઇનિંગ્સ હતી. 19મી એપ્રિલે જયપુરમાં જ લખનઊ સામે તેણે ડેબ્યૂ મૅચમાં પોતાના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી હતી. એ મૅચમાં તેણે શાર્દુલ ઠાકુર અને આવેશ ખાનની બોલિંગમાં સિક્સર ફટકારી હતી. સોમવારે રાત્રે ગુજરાત સામેની મૅચ પછી સૂર્યવંશીને 19મી એપ્રિલની એ પ્રથમ સિક્સર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું,પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવી એ તો મારા માટે સામાન્ય વાત છે. હું ભારત વતી અન્ડર-19 ક્રિકેટ રમ્યો છું અને ડોમેસ્ટિક સ્તરે પણ કેટલીક મૅચો રમી ચૂક્યો છું જેમાં મેં ઘણી વાર પહેલા બૉલમાં સિક્સર ફટકારી છે. ડેબ્યૂ મૅચમાં હું પહેલા 10 બૉલમાં જરાય પ્રેશરમાં નહોતો. મેં સ્પષ્ટપણે વિચારી લીધું હતું કે જો બૉલ મારા રડારમાં આવશે તો દૂર ફટકારી જ દઈશ. હું આવા અપ્રોચથી જ રમતો હોઉં છું. એ દિવસે (19મી એપ્રિલે) મેં એવું નહોતું વિચાર્યું કે આઇપીએલમાં આ મારી પહેલી જ મૅચ છે. મારી સામે આંતરરાષ્ટ્રીય બોલર હતા એ વાત સાચી અને મંચ પણ બહુ મોટો હતો, પણ હું મારી નૅચરલ ગેમ રમવામાં જ મશગૂલ હતો.’
ઉલ્લેખનીય છે કે ડેબ્યૂ મૅચમાં પ્રથમ બૉલની સિક્સર સહિત કુલ ત્રણ છગ્ગા ફટકારીને સૂર્યવંશીએ 34 રન કર્યા હતા અને એ સ્કોર પર આઉટ થઈ ગયો ત્યારે પૅવિલિયનમાં રડતો-રડતો પાછો આવ્યો હતો. ટીનેજરની આ લીલા જોઈને કેટલાક લોકો હસી પડ્યા હતા.
2008માં આઇપીએલનો આરંભ, 2011માં સૂર્યવંશીનો જન્મઃ
આઇપીએલ (2008માં) શરૂ થઈ એના ત્રણ વર્ષ પછી (2011માં) સૂર્યવંશીનો જન્મ થયો હતો. બીજી રીતે કહીએ તો સૂર્યવંશી આઇપીએલમાં ઐતિહાસિક સદી ફટકારનાર આ ટૂર્નામેન્ટથી પણ નાનો છે એટલે કે આઇપીએલની આ 18મી સીઝન છે, જ્યારે સૂર્યવંશીએ જીવનના 14 વર્ષ હજી ગયા મહિને (27મી માર્ચે) પૂરા કર્યા.
સૂર્યવંશીએ મમ્મી-પપ્પાને શ્રેય આપતા કહ્યું કે…
વૈભવ સૂર્યયંશીએ પોતાની સફળતા માટે મમ્મી-પપ્પાને શ્રેય આપ્યું છે. તેના પિતાનું નામ સંજીવ સૂર્યવંશી અને મમ્મીનું નામ આરતી છે. વૈભવે કહ્યું, `હું આજે જે કંઈ છું એ મારા મમ્મી-પપ્પાએ આપેલા બલિદાનને કારણે જ છું. મારા પપ્પાનો મને હંમેશાં સપોર્ટ મળ્યો છે. મારી મમ્મી મારું પ્રૅક્ટિસનું શેડ્યૂલ સાચવવા માટે રાત્રે 11.00 વાગ્યે સૂઈ ગયા બાદ (માંડ ચાર કલાકની ઊંઘ કર્યા પછી) મધરાત બાદ 3.00 વાગ્યે જાગી જતી અને મને ટિફિન બનાવી આપતી હતી. જે લોકો અથાક મહેનત કરે તેમના પર ઈશ્વરની કૃપા હોય છે જ અને તેઓ ક્યારેય નિષ્ફળ નથી જતા. મહેનતનું પરિણામ મળીને જ રહે છે. મારી આ સફળતા અને સારા પરિણામો મારા પૅરેન્ટ્સને કારણે જ છે.’
રાષ્ટ્રીય ટીમમાં આવ્યા પછી પણ…
વૈભવ સૂર્યવંશી ભારત વતી રમવા તત્પર છે. તેણે બીસીસીઆઇની આઇપીએલટી-20 વેબસાઇટને કહ્યું, `હું ભારત વતી રમવા ઉત્સુક છું. મારે ભારતીય ટીમને યોગદાન આપવું છે અને હું જાણું છું કે એ માટે મારે ખૂબ મહેનત કરવી પડશે. હું સર્વોચ્ચ સ્તરે ન પહોંચું ત્યાં સુધી એ માટેની મહેનત કરતો જ રહીશ. હું મારા દેશ વતી સારું રમવા પૂરો પ્રયત્ન કરીશ.’
દ્રવિડ સહિત રાજસ્થાનના સ્ટાફનો આભારીઃ
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રૉયલ્સના ટીમ-મૅનેજમેન્ટનો પણ આભારી છે. ટ્રાયલ બાદ આ ટીમ વતી રમવાનો મોકો મળ્યો અને આત્મવિશ્વાસ જગાવ્યો એ બદલ તેણે ઘણાના વખાણ કર્યા અને તેમનો આભાર માન્યો. વૈભવે કહ્યું, `હું આ સુવર્ણ પળ માટે લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યો હતો અને હું ઇચ્છતો હતો એ જ રીતે પર્ફોર્મ કરી શક્યો એ બદલ ખૂબ ખુશ છું. આઇપીએલ પહેલાંની ટ્રાયલમાં મેં સારી બૅટિંગ કરી હતી જે જોઈને (બૅટિંગ-કોચ) વિક્રમ રાઠોર સર અને (ટીમ-મૅનેજર) રૉમી ભિન્દર સરે મને કહેલું કે અમે તેને ટીમમાં લેવા પ્રયત્ન કરીશું. તેઓ મને રાજસ્થાનના હેડ-કોચ રાહુલ દ્રવિડ સર પાસે લઈ ગયા હતા. રાહુલ દ્રવિડ સરના હાથ નીચે તાલીમ મેળવવી એ મારું સપનું હતું જે સાકાર થયું. મને તેમના અને સ્ટાફના અન્ય મેમ્બર્સ તેમ જ ટીમના સિનિયર ખેલાડીઓ તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. તેમણે મને ભરપૂર આત્મવિશ્વાસ અપાવ્યો છે. તેઓ મને હંમેશાં કહેતા કે હું ટીમને જિતાડી શકું એમ છું. તેઓ મને સતત મૉટિવેટ કરતા રહેતા હોવાથી મારા પર પ્રેશર જેવું કંઈ જ નથી હોતું.’