IPL 2025

આઈપીએલઃ મેદાન પર બબાલ બાદ દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માને મળી આ સજા, જાણો વિગત

નવી દિલ્હીઃ આઈપીએલ 2025માં સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં સનરાઈઝર્સે 6 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે લખનઉ પ્લેઓફની રેસમાંથી સતત બીજા વર્ષે બહાર થઈ ગયું હતું. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં દિગ્વેશ સિંહ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જોવા મળે છે.

શું છે મામલો

હૈદરાબાદ 206 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાન પર ઉતરી ત્યારે અભિષેક શર્મા તોફાની અંદાજમાં બેટિંગ કરતો હતો. તેણે 18 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. જેમાં સળંગ 4 છગ્ગા પણ હતા. ઈનિંગની આઠમી ઓવર દિગ્વેશ સિંહ રાઠી લઈને આવ્યો હતો. અભિષેક શર્મા આ ઓવરમાં કેચ આઉટ થયો હતો. જે બાદ રાઠીએ અભિષેક સામે જોઈ જશ્ન મનાવ્યો હતો. જેના પર અભિષેક શર્મા લાલચોળ થઈ ગયો હતો. બંને વચ્ચે મેદાન પર જ માથાકૂટ થઈ હતી. મામલો વણસતા એમ્પાયરે દરમિયાનગીરી કરવા ઉતરવું પડ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીની ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર અભિષેક શર્મા સાથે તુ તુ મેં મેં થયા બાદ બીસીસીઆઈએ બંનેને સજા ફટકારી હતી. દિગ્વેશ રાઠીને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમજ 50 ટકા દંડ લગાવાયો હતો. જ્યારે અભિષેક શર્માને મેચ ફીનો 25 ટકા દંડ કરવામાં આવ્યો હતો અને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

આઈપીએલ મીડિયા એડવાઇઝરી મુજબ, લખનઉના દિગ્વેશ સિંહ રાઠીને આઈપીએલ કોડ ઓફ કન્ડકટના ઉલ્લંઘન બદલ 50 ટકા મેચ ફી અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાઠીએ આ સીઝનમાં ત્રીજી વખત નિયમનો ભંગ કર્યો હતો.

આપણ વાંચો:  IPL 2025: દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે મેદાન પર થઈ માથાકૂટ, વીડિયો થયો વાઇરલ…

ગઈકાલે મેચ બાદ એમ્પાયરો અને બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બંને ખેલાડીઓ સાથે વાત કરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રેઝન્ટેશન સેરેમની વખતે અભિષેક શર્માએ બંને ખેલાડીઓ વચ્ચે બધું બરાબર છે અને તેઓ કઈંજ થયું નથી તેમ દર્શાવતા હસી-મજાક કરતા જોવા મળ્યા હતા.

આ મેચમાં ટૉસ જીતીને હૈદરાબાદે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. લખનઉની ટીમે પ્રથમ બેટિંગ કરતાં માર્શ અને માર્કરમની ફિફ્ટીની મદદથી 206 રનનો ટાર્ગેટ હૈદરાબાદ સામે રાખ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે 19મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પહેલા બેટિંગ કરવા આવેલા લખનઉની શરૂઆત શાનદાર રહી હતી. મિશેલ માર્શ અને એડન માર્કરમે તોફાની શરૂઆત કરી હતી. મિશેલ માર્શે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. લખનઉએ માત્ર 9 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ લખનઉને પહેલો ઝટકો 11મી ઓવરમાં લાગ્યો જ્યારે હર્ષ દુબેએ મિશેલ માર્શની વિકેટ લીધી હતી. માર્શે 39 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. ઋષભ પંત ફરી ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. માર્કરમે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સીઝનમાં આ તેની 5મી અડધી સદી હતી. માર્કરમે 38 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન ફટકાર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button