IPL 2025

ધોનીએ નિવૃત્તિ વિશે મહત્ત્વની વાત કરી દીધી, જાણી લો તેણે શું કહ્યું…

નવી દિલ્હીઃ ક્રિકેટજગતના તમામ કૅપ્ટન-વિકેટકીપર-બૅટ્સમેનમાં બેતાજ બાદશાહ ગણાતા મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2020માં ગુડબાય કરી હતી અને 2023ની સાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું ટાઇટલ અપાવ્યા બાદ આઇપીએલને પણ તિલાંજલી (RETIREMENT) આપવાનો હતો, પણ કરોડો ચાહકોની લાગણીને માન આપીને તેણે રમવાનું ચાલુ રાખ્યું છે અને હવે ફરી તેની નિવૃત્તિનો મુદ્દો ઉઠ્યો છે જે વિશે તેણે મહત્ત્વની વાત કરી છે.

ધોની 20 વર્ષથી પણ વધુ સમયની કરીઅરમાં અસંખ્ય મૅચો રમીને થાકી તો ગયો જ છે, તેને સર્જરી બાદ ઘૂંટણ સાથ નથી આપતું એટલે તે હજી કેટલા વર્ષ આઇપીએલમાં રમશે એ કહી નથી શક્તો. જોકે તેણે ફરી પોતાના રિટાયરમેન્ટની વાત ઉડતાં કહ્યું છે કે નિવૃત્તિ વિશે નિર્ણય (DECISION) લેવા મારી પાસે હજી 10 મહિના (10 MONTHS) છે.' ધોની આ વખતની આઇપીએલમાં ધારી અસર નથી પાડી શક્યો અને બૅટિંગમાં સાતમાથી નવમા નંબર વચ્ચે રમ્યો છે. તેને ઓછી બૅટિંગ કરવા મળી છે એટલે ચાર મૅચમાં કુલ માત્ર 76 રન કરી શક્યો છે. બૅટિંગમાં તે પહેલાં જેવો અસરદાર નથી અને શૉટ મારવામાં તેનામાં પહેલાં જેવું ટાઇમિંગ નથી જોવા મળ્યું.

પીટીઆઇના અહેવાલ મુજબ ધોનીએ એક પૉડકાસ્ટ પરની મુલાકાતમાં શરીર પોતાને રમવા માટે હજી કેટલો સાથ આપશે એની વાત કરતા કહ્યું છે કેહું હજી પણ આઇપીએલમાં રમી રહ્યો છું અને દર વર્ષે મારી રીતે (ફિટનેસ વિશે) અવલોકન કરીને નિર્ણય લેવાનું પસંદ કરું છું. અત્યારે 43 વર્ષનો છું અને આ સીઝન બાદ થોડા દિવસમાં 44 વર્ષનો થઈ જઈશ. હું ફરી કહું છું કે મારે વધુ એક વર્ષ રમવું કે નહીં એ માટે નિર્ણય લેવા મારી પાસે હજી 10 મહિના છે. ખરેખર તો મારી નિવૃત્તિ વિશે હું કંઈ જ નક્કી નથી કરતો. હું વધુ રમી શકું કે નહીં એ મારું શરીર જ નક્કી કરી આપતું હોય છે.’

આ પણ વાંચો: ધોનીના માતા-પિતા પહેલી જ વાર આઇપીએલ જોવા આવ્યાઃ પુત્ર રિટાયર થઈ રહ્યો છે કે શું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button