દિલ્હીએ બૅટિંગ પસંદ કર્યા પછી પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી

ચેન્નઈઃ અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2925)ની 17મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ના સુકાની અક્ષર પટેલે ટૉસ (TOSS) જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં હવે દુખાવો નથી એટલે તે રમવાનો હોવાથી રાબેતામુજબ તે જ ટીમનું નેતૃત્વ સંભાળશે. અગાઉ એવી ચર્ચા હતી કે ગાયકવાડ નહીં રમી શકે તો એમએસ ધોની સુકાનની જવાબદારી સંભાળશે.
દિલ્હીએ બૅટિંગ પસંદ કરી હતી, પણ શરૂઆતમાં જ એને ઝટકો લાગ્યો હતો. સીએસકેના પેસ બોલર ખલીલ અહમદે ઓપનર જેક ફ્રેઝર-મૅકગર્કની વિકેટ લીધી હતી. ખલીલના કલાકે 137 કિલોમીટરની ઝડપે ફેંકાયેલા બૉલમાં મૅકગર્ક બૉલને મિડ-ઑન પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલવાના પ્રયાસમાં આર. અશ્વિનને કૅચ આપી બેઠો હતો. જોકે એ સમયે બીજા ઓપનર કેએલ રાહુલે હજી ખાતુ પણ નહોતું ખોલાવ્યું અને નવા બૅટર અભિષેક પોરેલે મુકેશ ચૌધરીની ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે મુકેશ ચૌધરીના બીજાથી પાંચમા સુધીના ચાર બૉલમાં (4, 6, 4, 4) 18 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: હાર્દિકે વિક્રમ પછીની હાર બદલ જવાબદારી સ્વીકારી છતાં કેમ તેની ટીકા થઈ?
ચેન્નઈની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઑવર્ટનના સ્થાને ડેવૉન કૉન્વેને અને રાહુલ ત્રિપાઠીના સ્થાને મુકેશ ચૌધરીને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે.
મૅચની શરૂઆત પહેલાં સ્ટેડિયમ પૂરું ભરાયેલું નહોતું. જોકે સીએસકેને અને ખાસ કરીને ધોનીને રમતો જોવા લોકોનો ધસારો થતો રહેશે અને સમય જતાં સ્ટેડિયમ પૂરું ભરાઈ જશે એવી પાકી સંભાવના છે.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ, જેક ફ્રેઝર-મૅકગર્ક, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, સમીર રિઝવી, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, મિચલ સ્ટાર્ક અને મોહિત શર્મા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મુકેશ કુમાર, કરુણ નાયર, દર્શન નાલક્નડે, ડૉનોવાન ફરેરા, ત્રિપુરાણા વિજય
ચેન્નઈઃ ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), ડેવૉન કૉન્વે, રચિન રવીન્દ્ર, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર. અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહમદ અને મથીશા પથિરાના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શિવમ દુબે, કમલેશ નાગરકોટી, જૅમી ઓવર્ટન, શેખ રશીદ, નૅથન એલિસ.