મહિલાઓની આઇપીએલમાં દિલ્હીની ટીમ ચોથા નંબરેથી મોખરાના સ્થાને આવી ગઈ…

બેન્ગલૂરુઃ પાંચ ટીમ વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં આજે મેગ લેનિંગના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે પોતાના જ દેશની ઍશ ગાર્ડનરની કૅપ્ટન્સીમાં રમતી ગુજરાત જાયન્ટ્સ ટીમને છ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા નંબર પરથી મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. દિલ્હીની ટીમ હવે સૌથી વધુ છ પૉઇન્ટ સાથે અવ્વલ છે.
Also read : Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
ચાર મૅચમાં ત્રીજો પરાજય જોનાર ગુજરાતની ટીમ માત્ર 128 રનનો લક્ષ્યાંક દિલ્હીની ટીમને આપી શકી અને દિલ્હીએ 15.1 ઓવરમાં ચાર વિકેટના ભોગે 131 રન બનાવ્યા હતા. ગુજરાતની ટીમ હાલમાં તળિયે છે. બીજા, ત્રીજા તથા ચોથા નંબરે અનુક્રમે બેન્ગલૂરુ, મુંબઈ અને યુપીની ટીમ છે.
વનડાઉન બૅટર જેસ જૉનસને (61 અણનમ, 32 બૉલ, બે સિક્સર, નવ ફોર) આખી મૅચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર શેફાલી વર્મા (44 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નું પણ આ જીતમાં મોટું યોગદાન હતું. ખુદ કૅપ્ટન લેનિંગ ત્રણ રન બનાવીને કાશવી ગૌતમના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ હતી. ભારતની જેમાઇમા રૉડ્રિગ્સ દિલ્હીની ટીમને ફક્ત પાંચ રનનું અને ઍનાબેલ સધરલૅન્ડ એક રનનું યોગદાન આપી શકી હતી.
Also read : પૅટ કમિન્સના મતે ટીમ ઇન્ડિયાને કયો બહુ મોટો ફાયદો થયો છે?
એ પહેલાં, ગુજરાતની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 127 રન બનાવ્યા હતા. એમાં છેક આઠમા નંબરે મોકલવામાં આવેલી મહારાષ્ટ્રના અમરાવતીની 30 વર્ષીય ભારતી ફુલમાલી (40 રન, 29 બૉલ, બે સિક્સર, ચાર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. તે બૅટિંગમાં આવી ત્યારે ગુજરાતનો સ્કોર છ વિકેટે માત્ર 60 રન હતો. ફુલમાલીએ સ્કોરને 125 રનને પાર પહોંચાડ્યો હતો. જોકે 128 રનનો લક્ષ્યાંક દિલ્હી માટે નાનો હતો જે તેમણે 29 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો.