IPL 2025ટોપ ન્યૂઝ

ગુજરાત જીતીને બેંગલૂરુ-પંજાબને પણ પ્લે ઑફમાં લેતું આવ્યું…

સુદર્શન-ગિલ વચ્ચે 205 રનની અતૂટ ભાગીદારીઃ રાહુલની સદી એળે ગઈ

નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ (gt)એ અહીં દિલ્હી કૅપિટલ્સ (dc) સામેની આઈપીએલ (IPL-2025)ની મહત્ત્વની લીગ મૅચમાં 10 વિકેટે વિજય મેળવીને ચાર ટીમના પ્લે-ઑફ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. એટલું જ નહીં, ગુજરાત જીતી જતાં આપોઆપ બેંગલૂરુ અને પંજાબની ટીમને પણ પ્લે ઑફમાં એન્ટ્રી લગભગ મળી જ ગઈ છે. હવે ચોથા સ્થાન માટે મુંબઈ, દિલ્હી, લખનઊ વચ્ચે હરીફાઈ થશે. ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન અને કોલકાતાની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

BCCI

ગુજરાતે 200 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19 ઓવરમાં વિના વિકેટે 205 રન બનાવીને વિજય મેળવ્યો હતો. સાઇ સુદર્શન (108 અણનમ, 61 બૉલ, ચાર સિક્સર, બાર ફોર) અને શુભમન ગિલ (93 અણનમ, 53 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) આ જીતના બે સૂત્રધાર હતા. એ પહેલાં, દિલ્હીએ વિકેટકીપર-ઓપનર કેએલ રાહુલ (112 અણનમ, 65 બૉલ, ચાર સિક્સર, 14 ફોર)ની સેન્ચુરીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા.

રાહુલ આઇપીએલની આ વખતની સીઝનમાં દિલ્હીનો પ્રથમ અને કુલ પાંચમો સેન્ચુરિયન બન્યો છે. તેની પહેલાં હૈદરાબાદના અભિષેક શર્મા (141), હૈદરાબાદના જ ઇશાન કિશન (અણનમ 106), પંજાબના પ્રિયાંશ આર્ય (103) અને રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી (101)એ સદી ફટકારી હતી.

રાહુલ અને વનડાઉન બૅટ્સમૅન અભિષેક પોરેલ (30 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. રાહુલે પછીથી કૅપ્ટન અક્ષર પટેલ (પચીસ રન, 16 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 45 રનની અને છેલ્લે ટ્રિસ્ટેન સ્ટબ્સ (21 અણનમ, 10 બૉલ, બે સિક્સર) સાથે 48 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ગુજરાતના છમાંથી ત્રણ બોલર (અર્શદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઇ કિશોર)ને એક-એક વિકેટ મળી હતી, જ્યારે ત્રણ બોલર (સિરાજ, રાશીદ ખાન, રબાડા) વિકેટ વિનાના રહ્યા હતા. જોકે મૅચને અંતે કેપ્ટન અક્ષર અને બાંગ્લાદેશના મુસ્તફિઝૂર સહિત) દિલ્હીના છ બોલર વિકેટ વગરના રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button