ચેન્નઈ જીત્યું, મુંબઈની ફરી હાર સાથે શરૂઆત

ચેન્નઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે અહીં આઇપીએલમાં આજે ફરી એકવાર પોતાના પહેલા જ મુકાબલામાં પરાજય જોયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 156 રનનો સાધારણ લક્ષ્યાંક સંઘર્ષ બાદ છેલ્લી ઓવરમાં (158/6ના સ્કોર સાથે) ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો.
કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (53 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને ઓપનર રચિન રવીન્દ્ર (65 અણનમ, 45 બૉલ, ચાર સિક્સર, બે ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી. છેલ્લે રચિન રવીન્દ્ર અને રવીન્દ્ર જાડેજા (17 રન) વચ્ચેની 36 રનની ભાગીદારી મૅચ-વિનિંગ નીવડી હતી. ધોની શૂન્ય પર અણનમ રહ્યો હતો. મુંબઈના લેફ્ટ-આર્મ સ્પિનર વિજ્ઞેશ પુથુર (4-0-32-3) સીએસકે માટે એક તબક્કે ખતરો બન્યો હતો, પણ તેની જ 18મી ઓવરમાં બે સિક્સર જતાં બાજી સીએસકેના હાથમાં આવી ગઈ હતી.
એ પહેલાં, એમઆઇએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્પિનર નૂર અહમદે 18 રનમાં ચાર વિકેટ અને ભારતીય લેફ્ટ-હૅન્ડ પેસ બોલર ખલીલ અહમદે 29 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એમઆઇ વતી તિલક વર્માના 31 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
રોહિત શર્માએ મૅચના ચોથા જ બૉલમાં શૂન્યમાં વિકેટ ગુમાવી દીધી હતી. ભારત વતી રમી ચૂકેલા પેસ બોલર ખલીલ અહમદે તેને કલાકે 139 કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલમાં શિવમ દુબેના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. રોહિતનો આઇપીએલમાં આ 18મો ઝીરો હતો અને તેણે દિનેશ કાર્તિક (18 ઝીરો) તથા ગ્લેન મૅક્સવેલ (18 ઝીરો)ની બરાબરી કરી લીધી છે.
રોહિતનો સાથી ઓપનર અને વિકેટકીપર રાયન રિકલ્ટન 13 રનના પોતાના સ્કોર પર ખલીલના જ બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. 36 રનમાં એમઆઇની ત્રણ વિકેટ પડી ચૂકી હતી. કૅપ્ટન સૂર્યકુમાર (29 રન, 26 બૉલ, એક સિક્સર, બે ફોર) અને તિલક વર્મા (31 રન, પચીસ બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે 36 બૉલમાં 51 રનની ભાગીદારી થઈ હતી, પણ ત્યાર બાદ સૂર્યાની વિકેટ સાથે ફરી ધબડકો શરૂ થયો હતો અને ફરી પચીસ રનની પણ કોઈ પાર્ટનરશિપ નહોતી થઈ. ટીમના બીજા નિષ્ફળ બૅટર્સની વિગત આ મુજબ છેઃ વિલ જૅક્સ (11 રન), રૉબિન મિન્ઝ (ત્રણ રન), નમન ધીર (17 રન), મિચલ સૅન્ટનર (11 રન), દીપક ચાહર (બે સિક્સર, બે ફોરની મદદથી 28 અણનમ).
એમઆઇના ગાજ્યા મેઘ વરસ્યા નહીં એવું આ ઇંનિંગ્સમાં જોવા મળ્યું. જોકે વર્ષોથી એમઆઇની પરંપરા રહી છે કે શરૂઆતમાં આ ટીમ ઉપરાઉપરી મૅચો હારી ગયા બાદ સતત વિજય મેળવતા રહીને પૉઇન્ટ્સ-ટેબલમાં પ્રગતિ કરે છે.
હાર્દિક પંડ્યા ગયા વર્ષના સ્લો ઓવર-રેટના અફેન્સને પગલે એક મૅચનું સસ્પેન્શન લાગુ કરાયું હોવાથી આ મૅચમાં નહોતો રમ્યો.