આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ | મુંબઈ સમાચાર
IPL 2025

આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ

અમદાવાદઃ આરસીબી…આરસીબી…ની બૂમો અને ચીસો વચ્ચે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને પંજાબ કિંગ્સ (PBKS)ના સુકાની શ્રેયસ ઐયરે ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. આ 18મી આઇપીએલ (IPL-2025) છે.

રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુકાની રજત પાટીદારે સિક્કો ઉછાળ્યો હતો. શ્રેયસે ટેઇલ'નો કૉલ આપ્યો હતો અને તેનું સાચું પડતાં તેણે ફીલ્ડિંગ લીધી હતી. રજત પાટીદારે ટૉસ હારી ગયા પછી કહ્યું હતું કે અમે ટૉસ જીતી ગયા હોત તો અમે પણ પ્રથમ ફીલ્ડિંગ લેવાનું જ નક્કી કર્યું હતું. જોકે હવે પ્રથમ બૅટિંગ જ આવી છે તો અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતાથી રમીશું. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અમારા તમામ ખેલાડીઓ સારું રમ્યા છે અને આજે પણ રમશે.’
પંજાબ અને બેંગલૂરુ, બન્નેએ ગઈ મૅચની એ જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે.

આ પણ વાંચો: IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનઃ

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, વિજયકુમાર વૈશાક, અઝમતુલ્લા ઓમરઝાઈ, અર્શદીપ સિંહ, કાઇલ જૅમીસન અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ પ્રભસિમરન સિંહ, ઝેવિયર બાર્ટલેટ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, પ્રવીણ દુબે.

બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, જિતેશ શર્મા (વિકેટકીપર), મયંક અગરવાલ, લિઆમ લિવિંગસ્ટન, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ અને જૉશ હૅઝલવૂડ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સુયશ શર્મા, રસિખ દર, મનોજ ભંડાગે, ટિમ સીફર્ટ, સ્વપ્નિલ સિંહ.

Back to top button