ચેન્નઈ આઉટ, ચહલની હૅટ-ટ્રિકે પંજાબને જિતાડ્યું…
ચેન્નઈના બ્રેવિસનો ત્રીજા પ્રયાસમાં શશાંકનો અદ્ભુત કૅચ

ચેન્નઈઃ આઇપીએલ (IPL)ના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ (190/10)ની ટીમ અહીં પંજાબ (19.4 ઓવરમાં 194/6) સામે ચાર વિકેટે હારી જતાં (માત્ર ચાર પૉઇન્ટ બદલ) પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી. જોકે છેલ્લે ચેન્નઈ (CSK)ની ટીમે પંજાબ (PBKS)ના ખેલાડીઓ તેમ જ એના અસંખ્ય ચાહકોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતા. છેવટે યેનસેને વિનિંગ ફોર ફટકારીને પંજાબને બે બૉલ બાકી રખાવીને બીજા નંબર પર પહોંચાડી દીધું હતું. પંજાબનો યુઝવેન્દ્ર ચહલ હૅટ-ટ્રિક (એક ઓવરમાં કુલ ચાર વિકેટ) આ મૅચનો સુપરહીરો હતો. પંજાબની જીતમાં બૅટિંગમાં કૅપ્ટન શ્રેયસ ઐયર (72 રન, 41 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને પ્રભસિમરન સિંહ (54 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના મોટા યોગદાનો હતા. બેંગલૂરુ પ્રથમ અને મુંબઈ ત્રીજા નંબર પર છે.
ચેન્નઈના સાઉથ આફ્રિકન ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે જાડેજાના બૉલમાં શશાંક સિંહ (23 રન)નો અદ્ભુત કૅચ પકડ્યો હતો. બ્રેવિસ બે વાર બાઉન્ડરી લાઇનની આરપાર ગયો હતો અને ત્રીજા પ્રયાસમાં કૅચ ઝીલી લીધો હતો. એ પહેલાં, યુઝવેન્દ્ર ચહલ (3-0-32-4) પંજાબનો સુપરહીરો બન્યો હતો. તેણે હૅટ-ટ્રિક લીધી હતી. આ વખતની આઇપીએલમાં આ પ્રથમ અને આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ચહલની આ બીજી હૅટ-ટ્રિક છે.
ચહલે એક જ ઓવરમાં હૅટ-ટ્રિક સહિત કુલ ચાર વિકેટ લીધી હતી. તેણે ધોની (11 રન), દીપક હૂડા (બે રન), અંશુલ કમ્બોજ (0) અને નૂર અહમદ (0)ને આઉટ કર્યા હતા. એમાં છેલ્લા ત્રણ બૅટ્સમેનની વિકેટ તેની હૅટ-ટ્રિક હતી. અર્શદીપ સિંહ અને માર્કો યેનસેને બે-બે વિકેટ લીધી હતી.
એક તબક્કે ચેન્નઈએ 48 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, પણ સૅમ કરૅન (88 રન, 47 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) ટીમની વહારે આવ્યો હતો. તેણે ડેવાલ્ડ બ્રેવિસ (32 રન) સાથે 50 બૉલમાં 78 રનની અને શિવમ દુબે (છ અણનમ) સાથે બાવીસ બૉલમાં 46 રનની ભાગીદારી કરી હતી. પંજાબની ટીમમાં ઈજાગ્રસ્ત ગ્લેન મૅક્સવેલના સ્થાને સૂર્યાંશ શેડગેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો, જ્યારે સીએસકેની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. મૅક્સવેલને આંગળીમાં ફ્રૅક્ચર થયું છે અને એવું મનાય છે કે તે હવે આ આઇપીએલની બાકીની મૅચોમાં પણ નહીં રમે.