IPL 2025

IPL 2025માં બોલર્સનો દબદબો જોવા મળી શકે છે? 5 વર્ષ બાદ આ પ્રતિબંધ હટી શકે છે

મુંબઈ: શનિવારથી શરુ થવા જઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, બે મહિના સુધી 10 ટીમો વચ્ચે મેચ યોજાશે. મેગા ઓક્શન બાદ આ સિઝનમાં ટીમોમાં ઘણા ફેરફાર જોવા મળશે, આ સિઝનમાં કેટલાક નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. અહેવાલ મુજબ આ સિઝનમાં બોલ પર લાળ લગાવવાનો પ્રતિબંધ હટાવવામાં આવી (Saliva to shine the ball) શકે છે, જેને કારણે બોલર્સને ફાયદો થઇ શકે છે.
અહેવાલ મુજબ BCCI બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ હટાવવા માટે તૈયાર છે. ચર્ચા બાદ BCCIએ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આજે ગુરુવારે મુંબઈમાં તમામ IPL ટીમોના કેપ્ટનનું ફોટોશૂટ સેશન યોજાવાનું છે, આ સમય દરમિયાન, આ પ્રસ્તાવ તમામ IPL ટીમોના કેપ્ટનો સમક્ષ મૂકવામાં આવશે. જો તમામ કેપ્ટન્સ સંમત થાય તો બોલરો આ સિઝનથી બોલ પર લાળ લગાવી શકશે.

ICCએ લગાવ્યો હતો પ્રતિબંધ:
કોરોના પાનડેમિક દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સાવચેતીના પગલા તરીકે બોલને ચમકાવવા માટે લાળ લગાવવાની વર્ષો જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2022માં ICC એ આ પ્રતિબંધ કાયમી કર્યો. કોરોના પાનડેમિક બાદ પણ IPL ટુર્નામેન્ટમાં પણ પ્રતિબંધ લાગુ રહ્યો, પરંતુ IPLની ગાઈડલાઈન્સ ICCના અધિકારક્ષેત્ર હેઠળ આવતી નથી. જો BCCI ઇચ્છે તો, બોલ પર લાળ લગાવવા અંગે નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચો…રોહિતસેના પર બીસીસીઆઈની ધનવર્ષા, ખેલાડીઓને કરોડો રૂપિયાનો જેકપૉટ લાગ્યો!

મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કહી હતી આ વાત:
તાજેતરમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે બોલ પર લાળ લગાવી બોલર માટે મદદરૂપ થાય છે, તેના વગર ગેમ બેટ્સમેનોના પક્ષમાં રહે છે. દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડર અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ પણ તેનું સમર્થન કર્યું.

હવે જોવાનું એ રહે છે કે શું IPL ટીમોના કેપ્ટન આ માટે સંમત થાય છે કે કેમ? જો આ પ્રતિબંધ હટી જશે તો આ સિઝનમાં બોલર્સ બેટર્સ પર પકડ જમાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button