બેંગલૂરુ ચોથી વાર ફાઇનલમાંઃ વન-સાઇડેડ મુકાબલામાં પંજાબને પછાડ્યું
આરસીબીના બોલર્સના આક્રમણ સામે શ્રેયસ-ઇલેવન 101 રનમાં આઉટ, બેંગલૂરુ 10 ઓવરમાં 106/2

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલની 18મી સીઝનમાં ગુરુવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)ને વન-સાઇડેડ બનાવી નાખ્યો હતો અને પંજાબ કિંગ્સ (PBKS)ને આઠ વિકેટે હરાવીને ફાઇનલ (FINAL)માં પ્રવેશ કર્યો હતો. પંજાબની ટીમ માત્ર 101 રનમાં આઉટ થઈ ગયા પછી બેંગલૂરુએ 10 ઓવરમાં બે વિકેટે 106 રન કરીને (10 ઓવર બાકી રાખીને) વિજય મેળવ્યો હતો. બેંગલૂરુ 2009, 2011 અને 2016ની સાલ બાદ ચોથી વાર ફાઇનલમાં પહોંચ્યું છે અને હવે પહેલી વાર ટ્રોફી જીતવાનો એને ચોથો મોકો મળ્યો છે.
ફિલ સૉલ્ટ (56 અણનમ, 27 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) ઓપનિંગમાં આવ્યા બાદ છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો અને બેંગલૂરુની જીતને વધુ આસાન કરી નાખી હતી. વિરાટ કોહલી (12 રન)ની વહેલી વિકેટ પડ્યા બાદ અને મયંક અગરવાલ (19 રન) પણ સસ્તામાં આઉટ થઈ ગયા બાદ કૅપ્ટન રજત પાટીદાર (15 અણનમ)એ સૉલ્ટને અંત સુધી સાથ આપ્યો હતો. પંજાબ વતી કાઇલ જૅમીસન અને આ વખતે પહેલી જ વખત રમેલા 20 વર્ષના મુશીર ખાને એક-એક વિકેટ લીધી હતી.
પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે રહેલા પંજાબની ટીમનું બીજા નંબરની ટીમ બેંગલૂરુ સામે ટાંય ટાંય ફિસ થઈ ગયું હતું.
આ પણ વાંચો: નંબર-વન પંજાબનો ફિયાસ્કોઃ 101 રનમાં ઑલઆઉટ
માર્કસ સ્ટોઇનિસના 26 રન ટીમમાં હાઇએસ્ટ હતા અને ત્રણ જ બૅટ્સમેનના ડબલ ડિજિટમાં સ્કોર હતા. એક બૅટ્સમૅનનો ઝીરો હતો અને છ પ્લેયરના સિંગલ ડિજિટમાં રન હતા. કાઇલ જૅમીસન શૂન્ય પર અણનમ રહ્યો હતો. પંજાબે આ સીઝનમાં થોડા દિવસ અગાઉ કોલકાતા સામે પોતાનો જેટલો સ્કોર (111) ડિફેન્ડ કર્યો હતો એના કરતાં પણ 10 રન ઓછા બનાવ્યા હતા.
બેંગલૂરુના છમાંથી પાંચ બોલરને વિકેટ મળી હતી. સ્પિનર સુયશ શર્મા (3-0-17-3) અને ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ (3.1-0-21-3) આ ઇનિંગ્સના બે સુપર બોલર હતા. યશ દયાલ (4-0-26-2)એ પંજાબનો ધબડકો શરૂ કરાવ્યો હતો અને તેણે તેમ જ ટીમના બીજા બોલર્સે સમયાંતરે વિકેટ લેતા રહીને પંજાબની ટીમનો કચરો કરી નાખ્યો હતો. ભુવનેશ્વર કુમાર (2-0-17-1) અને રોમારિયો શેફર્ડ (1-0-5-1)ને એક-એક વિકેટ મળી હતી. એકમાત્ર કૃણાલ પંડ્યા (1-0-10-0)ને વિકેટ નહોતી મળી.
પંજાબે પાવરપ્લેની 6 ઓવરના અંત સુધીમાં 50 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એ પહેલાં, બેંગલૂરુના સુકાની રજત પાટીદારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને પંજાબની ટીમને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.