કેકેઆરે આક્રોશ ઠાલવ્યો, ‘ નવો નિયમ વહેલો લાવ્યા હોત તો અમે પ્લે-ઑફમાં પહોંચ્યા હોત’

કોલકાતા: ભારત-પાકિસ્તાનના ટૂંકા યુદ્ધ બાદ હવે મેઘરાજા આઈપીએલ (IPL-2025)ની મૅચો ખોરવી રહ્યા છે એવામાં બીસીસીઆઈ (BCCI)એ મંગળવાર, 20મી મેથી નવો નિયમ (NEW RULE) લાગુ કર્યો છે કે બાકીની લીગ મૅચો વરસાદ (RAIN)ને કારણે અધૂરી કે અનિર્ણીત ન રાખવી પડે એ માટે દરેક લીગ મૅચને વધારાની 120 મિનિટ આપવામાં આવશે કે જેથી પૂરી મૅચનું પરિણામ લાવી શકાય. જોકે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ફ્રેન્ચાઇઝીની ફરિયાદ છે કે તેઓ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગયા એ પહેલાં આ નિયમ કેમ નહોતો લાવવામાં આવ્યો?
સામાન્ય રીતે આઈપીએલની દરેક લીગ મૅચમાં વધારાની 60 મિનિટ રાખવામાં આવતી હોય છે કે જેથી મૅચનું પરિણામ લાવી શકાય. જોકે મંગળવારે જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ મંગળવારની રાજસ્થાન-ચેન્નઈ મૅચથી દરેક મૅચને વધારાની 120 મિનિટ આપવામાં આવી છે.

એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ કેકેઆરના ચીફ એક્ઝિક્યૂટિવ વેન્કી માયસોરે કહ્યું છે કે ‘ ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ 17મી મેએ આઇપીએલનો નવો રાઉન્ડ શરૂ થયો એ દિવસથી જ દરેક મૅચને વધારાની 120 મિનિટ ફાળવવાનો નવો નિયમ લાગુ થવો જોઈતો હતો.’
17મી મેએ કોલકાતા અને બેંગલરુ વચ્ચેની નવા રાઉન્ડની પહેલી જ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બંને ટીમને એક-એક પોઇન્ટ આપી દેવામાં આવ્યો હતો. જોકે કોલકાતાને એ એક જ પોઇન્ટ મળતાં એ 2024ની એ ચેમ્પિયન ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
નવા નિયમ પ્રમાણે વરસાદને લીધે મૅચ ખોવાઈ જાય તો 20-20 ઓવરની મૅચ રાખવા માટે રાત્રે 9:30 સુધી રાહ જોઈ શકાય. એટલું જ નહીં મૅચનું પરિણામ લાવવા માટે પાંચ-પાંચ ઓવર પણ રાખવી હોય તો રાત્રે 11.56 સુધી રાહ જોઈ શકાય. 17 મેની કોલકાતા-બેંગ્લૂરુ મૅચમાં કટ-ઑફ ટાઈમ જૂના નિયમ પ્રમાણે રાત્રે 10.56 સુધીનો જ હતો.
વેન્કીનું કહેવું છે કે જો 17મી મેના દિવસથી જ વધારાની 120 મિનિટની સગવડનો નિયમ લાગુ કરાયો હોત તો અમે પ્લે-ઑફમાં કદાચ પહોંચી શક્યા હોત.
ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન અને લખનઊ ઉપરાંત કોલકાતાની ટીમ પણ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. ગુજરાત, બેંગ્લૂરુ અને પંજાબની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે જ્યારે ચોથા તથા છેલ્લા સ્થાન માટે મુંબઈ તથા દિલ્હી વચ્ચે હરીફાઈ છે.