આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં આઇપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝન માટે આયોજિત ખેલાડીઓની હરાજીમાં બાંગ્લાદેશ (BANGLADESH)ના 13માંથી એક પણ પ્લેયરને કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ બુધવારે નિયમોમાં થયેલા ફેરફારને આધીન દિલ્હી કૅપિટલ્સ (DC)એ ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન જેક ફ્રેઝર-મૅકગર્ક (JAKE FRAZER-MCGURK)ના સ્થાને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને છ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે એવું મનાય છે કે હવે ડીસીની બાકી રહેલી મૅચોને ધ્યાનમાં રાખીને એ મુજબ જ મુસ્તફિઝુરને મૅચ ફી મળશે.
ઉલ્લેખનીય છે કે 2009ની સાલથી આઇપીએલમાં પાકિસ્તાનના એક પણ ખેલાડીને રમવા નથી મળ્યું, 2025ની આઇપીએલની શરૂઆત પહેલાં બાંગ્લાદેશમાં વ્યાપક પ્રમાણમાં ભારત-વિરોધી વલણ અપનાવાયું હોવાથી આઇપીએલના ઑક્શનમાં એક પણ બાંગ્લાદેશી ખેલાડીને નહોતો સિલેક્ટ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: કોલકાતામાં નહીં રમાય IPL 2025 ની ફાઇનલ મેચ? અમદાવાદ કે મુંબઈને મળી શકે છે તક
ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ હમણાં તો શમી ગયો છે, પણ ભયભીત થયેલા આઇપીએલના કેટલાક વિદેશી ખેલાડીઓ પાછા ભારત આવતા ડરે છે અથવા આવવાનું ટાળી રહ્યા છે અને જેક ફ્રૅઝર એમાંનો એક છે.
મુસ્તફિઝુર અગાઉ 2022માં અને 2023માં દિલ્હી વતી જ રમ્યો હતો અને બન્ને સીઝનમાં તેણે નવ-નવ વિકેટ લીધી હતી.
આઇપીએલ આઠમી મેએ ભારત-પાકિસ્તાન જંગને કારણે સ્થગિત કરી દેવાઈ એ પહેલાં આ ટૂર્નામેન્ટમાં એવો નિયમ હતો કે જો કોઈ ખેલાડી બીમાર પડે કે ગંભીર રીતે ઈજા પામે અને આ ટૂર્નામેન્ટમાં વધુ ન રમી શકે એમ હોય તો જ તેના સ્થાને બીજા કોઈ ખેલાડીને મેળવી શકાય. જોકે 17મી મે-3 જૂન દરમ્યાન રમાનારી આઇપીએલની બાકીની મૅચો માટે નિયમમાં થોડો ફેરફાર કરાયો છે જે મુજબ જે ખેલાડી આ સીઝનમાં બાકીની મૅચો રમવા ન આવે તેના સ્થાને બીજા કોઈ ખેલાડીને સ્ક્વૉડમાં સમાવવાની ટીમોને છૂટ અપાઈ છે.
આ પણ વાંચો: પંજાબ-દિલ્હીની અધૂરી રહેલી મૅચ 24મી મેએ ફરીથી રમાશે…
29 વર્ષના મુસ્તફિઝુરે 2016માં આઇપીએલમાં ડેબ્યૂ કરીને આ સ્પર્ધામાં કુલ 38 મૅચમાં 38 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ વતી તે 106 ટી-20 મૅચમાં 132 વિકેટ લઈ ચૂક્યો છે.
જેક ફ્રૅઝરે આ વખતે દિલ્હી વતી રમેલી છ મૅચમાં કુલ ફક્ત પંચાવન રન કર્યા હતા. પાંચ મૅચમાં તેના રન સિંગલ-ડિજિટમાં હતા.