આ ખેલાડીએ અર્જુન તેન્ડુલકરનો રસ્તો રોકી દીધો, હવે પ્લેઇંગ-ઇલેવનમાં આવવું મુશ્કેલ…

મુંબઈઃ `ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતો સચિન તેન્ડુલકર આ વખતની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની પહેલી બે મૅચ વખતે ટીમના ડગઆઉટમાં નહોતો જોવા મળ્યો, પણ સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં એમઆઇ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચ વખતે જોવા મળ્યો હતો, પરંતુ તેનો પુત્ર અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar) આ ત્રીજી મૅચ માટેની ટીમમાં પણ ન જોવા મળ્યો.
અર્જુન તેન્ડુલકર પચીસ વર્ષનો છે અને લેફ્ટ-આર્મ પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે. તે આઇપીએલમાં એમઆઇ વતી કુલ પાંચ મૅચ રમ્યો છે જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે અને 13 રન કર્યા છે. ગયા વર્ષે એમઆઇએ અર્જુનને 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. અર્જુનને આ વખતે એમઆઇની પ્લેઇંગ-ઇલેવનમાં જલદી સ્થાન મળે એની સંભાવના હતી, પરંતુ સોમવારે વાનખેડેના મેદાન પર જે કંઈ બની ગયું એ જોતાં અર્જુનનો રસ્તો હવે આડકતરી રીતે રોકાઈ ગયો હોય એવું લાગે છે. કારણ એ છે કે મોહાલીથી આવેલો 24 વર્ષનો લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર (ASHWANI Kumar) ચમકી ગયો છે અને થોડો સમય ટીમમાં સ્થાન પાક્કું કરી લીધું છે એમ કહી શકાય.

અશ્વનીએ સોમવારે કેકેઆરની 24 રનમાં ચાર વિકેટ લીધી હતી અને તેણે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. તેણે અજિંક્ય રહાણે, રિન્કુ સિંહ, મનીષ પાન્ડે અને આન્દ્રે રસેલને સસ્તામાં પૅવિલિયનમાં પાછા મોકલ્યા હતા. જસપ્રીત બુમરાહની ગેરહાજરી એમઆઇને સતાવી રહી છે. જોકે એમઆઇ પાસે હાલમાં પેસ બોલિંગમાં ટ્રેન્ટ બૉલ્ટ ઉપરાંત દીપક ચાહર અને ખુદ કૅપ્ટન હાર્દિક પંડ્યા છે ત્યારે હવે અશ્વની કુમાર પણ એ બ્રિગેડમાં જોડાઈ ગયો છે.
બુમરાહ કમબૅક કરશે ત્યારે ઇલેવનમાં પેસ બોલર્સમાંથી કોને સમાવવા અને કોને નહીં એનો નિર્ણય મુશ્કેલ થઈ જશે એટલે ત્યારે અર્જુનનો ચાન્સ વધુ ઘટી જશે. અર્જુનને દર વર્ષે એમઆઇ દ્વારા ખરીદવામાં આવે છે, પણ તેને રમવાનો ખાસ કંઈ મોકો નથી મળતો.
આપણ વાંચો : શું પિતાનું નામ કલંકિત કરશે અર્જુન તેંડુલકર! LSGના સિનિયર બેટ્સમેનને બધાની સામે મારવાની ધમકી આપી