આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

જયપુરઃ 18 વર્ષથી રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં શરૂઆતથી દરેક સીઝનમાં નવયુવાન ખેલાડીઓ ચમકતા રહ્યા છે અને શેન વૉર્નના સુકાનમાં રાજસ્થાન રૉયલ્સે તો 2008ની પ્રથમ સીઝનમાં યુવાનિયાઓના સહારે જ સૌપ્રથમ ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે સીન કંઈક જુદો જ છે, કારણકે 13 વર્ષના વૈભવ સૂર્યવંશી નામના ખેલાડીએ એન્ટ્રી મારીને યુવાન ખેલાડીઓના જૂથમાં હલચલ મચાવી દીધી છે.
આઇપીએલના સ્તંભ મજબૂત કરવામાં યુવાન ખેલાડીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે અને આ વખતે પણ ઘણા યંગ પ્લેયર્સના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેવાની છે. કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ-મની અને પ્રાઇઝ-મની અપાવતી આઇપીએલમાં યુવાન ખેલાડીઓની હાજરીથી વધુ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ તરફ તેમ જ ટીવી સેટ તરફ આકર્ષાય છે, ટીમોના ખેલાડીઓ વચ્ચે હરીફાઈ પણ તીવ્ર બની જાય છે.
આ પણ વાંચો : આઇપીએલની શરૂઆત પહેલાં જ મોટા સમાચાર…સુરક્ષાના કારણસર શેડ્યૂલમાં નાનો ફેરફાર આવશે…
વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસી, કીરૉન પોલાર્ડ અને ડેવિડ વૉર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરતાં પહેલાં આઇપીએલમાં જ પોતાના કૌશલ્ય અને ક્ષમતાની સૌને વાકેફ કર્યા હતા.
ચાર યુવાન ખેલાડીઓ એવા છે જેમના પર આ વખતે સૌની નજર રહેશે અને જો તેઓ સારું રમશે તો આગામી સીઝનમાં તેમને મેળવવા અન્ય ટીમો હરીફાઈ કરશે.

(1) વૈભવ સૂર્યવંશીઃ રાજસ્થાન રૉયલ્સે હરાજીમાં દિલ્હી કૅપિટલ્સ સાથેની હરીફાઈમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને મેળવ્યો હતો. રાજસ્થાનની ટીમનો મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસન છે, પણ તે આંગળીના ફ્રૅક્ચર બદલ હજી પૂરો ફિટ ન હોવાથી પહેલી ત્રણ મૅચમાં રિયાન પરાગ સુકાન સંભાળશે અને જો એમાં વૈભવને સિલેક્ટ કરવામાં આવશે તો તે ઉપયોગી બૅટર સાબિત થઈ શકશે. ગયા વર્ષે વૈભવે રણજી ટ્રોફીમાં બિહાર વતી ડેબ્યૂ કર્યું હતું. યુથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપે સેન્ચુરી ફટકારવા બદલ તેમ જ લિસ્ટ `એ’ ફૉર્મેટમાં હાફ સેન્ચુરી કરવા બદલ વૈભવને રાજસ્થાન રૉયલ્સની ટીમને પ્રભાવિત કરી હતી અને તેને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

(2) સી. આન્દ્રે સિદ્ધાર્થઃ રવિચન્દ્રન અશ્વિન, સુબ્રમણ્યમ બદરીનાથ, આર. સાઇ કિશોર અને હવે લિસ્ટમાં લેટેસ્ટ સમાવેશ થયો છે સી. આન્દ્રે સિદ્ધાર્થનો. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના સેટઅપમાં તામિલનાડુના ખેલાડીઓનું મોટું યોગદાન રહ્યું છે અને એ પ્રણાલી જાળવવામાં હવે 18 વર્ષના આન્દ્રે સિદ્ધાર્થનું આગમન થયું છે. તામિલનાડુના પીઢ ક્રિકેટર એસ. શરથનો ભત્રીજો આન્દ્રે સિદ્ધાર્થ તામિલનાડુ પ્રીમિયર લીગ (ટીપીએલ)માં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. રણજી ટ્રોફીમાં આન્દ્રેએ 12 ઇનિંગ્સમાં 68.00ની સુપર ઍવરેજ સાથે 612 રન બનાવ્યા હતા. તેને સીએસકેની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવામાં થોડો સંઘર્ષ કરવો પડશે, પરંતુ સીએસકે પોતાના ખેલાડીઓને એકાદ-બે સીઝનમાં જ હરાજીમાં મૂકી દે એવી ટીમ નથી એટલે આન્દ્રે સારું રમશે તો તે લાંબો સમય આ ટીમમાં સ્થાન જમાવી શકશે.

(3) ક્વેના મફાકાઃ ગયા વર્ષે 18 વર્ષનો આ ખેલાડી આઇપીએલમાં 17 વર્ષની ઉંમરે સ્થાન મેળવનાર સાઉથ આફ્રિકાનો સૌથી યુવાન અને ત્રીજા નંબરનો યંગેસ્ટ વિદેશી ખેલાડી બન્યો હતો. સાઉથ આફ્રિકા વતી આઠ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા આ લેફ્ટ-આર્મ પેસ બોલરને ગઈ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે શ્રીલંકાના દિલશાન મદુશન્કાના વિકલ્પ તરીકે સ્ક્વૉડમાં સમાવ્યો હતો. મફાકાને ત્યારે બહુ થોડું રમવા મળ્યું હતું અને એમાં તેણે એક વિકેટ લીધી હતી. તેણે ત્યારે યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો અને હવે આ વખતે મફાકા રાજસ્થાન રૉયલ્સમાં યશસ્વી સાથે જ ડ્રેસિંગ રૂમ શૅર કરશે. રાજસ્થાને મફાકાને 1.50 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

(4) સ્વસ્તિક ચિકારાઃ 19 વર્ષનો આ બૅટર પણ આ વખતે આઇપીએલ ગજાવશે એવી સંભાવના છે. લિસ્ટ `એ’માં તેણે ડેબ્યૂ મૅચમાં જ 117 રન ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી. આરસીબીએ તેને યુપીટી-20 લીગમાંના પર્ફોર્મન્સને આધારે જ સિલેક્ટ કર્યો છે અને સ્વસ્તિક હવે વિરાટ કોહલી, કૅપ્ટન રજત પાટીદાર અને ફિલ સૉલ્ટ જેવા નામાંકિત ખેલાડીઓ સાથે ડ્રેસિંગ-રૂમ શૅર કરશે.