ધોનીના કયા મુદ્દે લાઇવ શૉમાં આકાશ ચોપડા અને રૈના વચ્ચે દલીલબાજી થઈ?

અમદાવાદઃ આઇપીએલ-2025 (IPL-2025)માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સફર પૂરી થઈ ગઈ છે અને હવે આવતી સીઝનમાં (2026માં) સીએસકેની ટીમમાં કોને રાખવા અને કોને ગુડબાય કરી દેવી એના પર આવનારા મહિનાઓમાં ઘણી ચર્ચા થશે, પરંતુ હમણાં તો એમએસ ધોની (MS DHONI)ની ફિટનેસ સૌથી વધુ ચર્ચામાં છે. કરોડો ચાહકો ઇચ્છતા હશે કે ધોની હજી ઘણા વર્ષો સુધી આઇપીએલમાં રમતો રહે. જોકે એક લાઇવ શૉમાં ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન તથા કૉમેન્ટેટર આકાશ ચોપડા (AKASH CHOPRA) તથા ભારતના અને આઇપીએલના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈના (SURESH RAINA) વચ્ચે ધોનીના મુદ્દે જોરદાર મતભેદો થયા હતા.
ચેન્નઈની ટીમ કુલ 14 લીગ મૅચમાંથી ચાર મૅચ જીતી શકી અને 10 મૅચમાં પરાજય જોયો. જોકે પૉઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ ગુજરાત ટાઇટન્સની ટીમને રવિવારે ચેન્નઈએ 83 રનથી હરાવી હતી અને માનભેર આ સીઝનમાંથી વિદાય લીધી.
આ પણ વાંચો: કેપ્ટન કૂલની કમાલ: ‘થાલા’ ધોનીએ આ રીતે શુભમન ગિલને જાળમાં ફસાવ્યો!
ખુદ ધોનીએ રવિવારે ગુજરાત સામેના વિજય બાદ નિવૃત્તિના મુદ્દે કહ્યું હતું કે નિર્ણય લેવા મારી પાસે હજી ચાર-પાંચ મહિના છે. મારામાં રમવાની ભૂખ કેટલી છે એ પારખ્યા પછી જ હું રિટાયરમેન્ટ વિશેનો નિર્ણય લઈશ.’ જોકે ધોનીની નિવૃત્તિ વિશે જાત-જાતની અટકળો સોશિયલ મીડિયામાં થતી રહી છે. જુલાઈમાં જીવનના 44 વર્ષ પૂરા કરનાર ખુદ ધોની હાલમાં રિટાયર થઈ જવાના મૂડમાં નથી, પણ આકાશ ચોપડાનું એવું કહેવું છે કેધોનીની ફિટનેસ ચેન્નઈની ટીમ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. મુખ્ય મુદ્દો એ છે કે ધોનીએ સાતમા, આઠમા કે નવમા નંબર પર શા માટે બૅટિંગ કરી? તેની ટીમની બૅટિંગ સારી નહોતી, સમસ્યા ટૉપ-ઑર્ડર પરથી નીચે આવી તો પછી આટલા મોટા ખેલાડીએ કેમ ઉપરના ક્રમે બૅટિંગ ન કરી? તે ફિટ છે કે નહીં?’
આકાશના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, એમએસ ધોની 18 વર્ષથી આ ટીમ (ચેન્નઈ)ની સાથે છે. હજી પણ બધા ખેલાડીઓમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની તેનામાં ક્ષમતા છે. તેને લાગ્યું હતું કે છેલ્લી ચાર ઓવરમાં પોતે સારી બૅટિંગ કરી શકશે. તે 44 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને સારી વિકેટકીપિંગ કરે છે.’ રૈનાએ આકાશ ચોપડાને સવાલ પૂછ્યો કેમાની લો કે છ બૉલમાં 16 રન કરવાના છે અને તમારી પાસે આ ત્રણ વિકલ્પ છેઃ એમએસ ધોની, આન્દ્રે રસેલ અને રિન્કુ સિંહ. આ ત્રણમાંથી તમે કોને પસંદ કરશો?’ આકાશે જવાબમાં કહ્યું, `જો સ્પિનર બોલિંગ કરવાનો હશે તો હું માહીને પસંદ નહીં જ કરું, કારણકે તેના આંકડા બહુ સારા નથી.’
આ પણ વાંચો: ધોનીએ અમદાવાદમાં જીત્યા પછી કહ્યું, `હું રાંચી જઈશ અને પછી…’
આકાશ-રૈનાની આ હૉટ ચર્ચામાં સંજય બાંગડે ઝુકાવ્યું અને કહ્યું, એકંદર ફિટનેસની વાત થાય ત્યારે રનિંગ-બિટવિન-ધ-વિકેટ્સની કે ઘૂંટણની ઈજાની વાત ન થાય. વાત થાય આંખ અને હાથ વચ્ચેના તાલમેલની. ધોની આવતા વર્ષે 44 વર્ષનો હશે અને આઇપીએલના ઇતિહાસમાં કોઈ ખેલાડી આટલી મોટી ઉંમર સુધી નથી રમ્યો. એ જોતાં તેના માટે આગામી સીઝન થોડી મુશ્કેલ લાગે છે.’ જોકે રૈનાએ બાંગડની આ વાત સાથે અસહમતી બતાવતાં કહ્યું,ધોનીની વિકેટકીપિંગ હજી પણ સારી છે, આવતા 6-8 મહિના પ્રૅક્ટિસ કરશે અને પછી ફરીથી છગ્ગા ફટકારશે.’