છ વર્ષ બાદ ધોનીએ સ્વીકારી પોતાની 'મોટી' ભૂલ, IPL મેચમાં મેદાનમાં થઇ હતી બબાલ | મુંબઈ સમાચાર

છ વર્ષ બાદ ધોનીએ સ્વીકારી પોતાની ‘મોટી’ ભૂલ, IPL મેચમાં મેદાનમાં થઇ હતી બબાલ

ચેન્નઇઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2025ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના 2019ની આઈપીએલ મેચ સાથે સંબંધિત છે. તે સમયે જયપુરમાં રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન એમએસ ધોની વિવાદમાં ફસાયો હતો.

તે મેચની છેલ્લી ઓવરમાં ચેન્નઇને 18 રનની જરૂર હતી. ધોની આઉટ થયો હતો. ત્યાર પછી અમ્પાયરે ‘નો-બોલ’નો નિર્ણય બદલ્યા બાદ ધોની ગુસ્સામાં મેદાનમાં ઘૂસી ગયો હતો. આ વિવાદની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. આ હરકત બદલ ધોનીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 6 વર્ષ પછી ધોનીએ આને પોતાની ‘મોટી ભૂલ’ ગણાવી છે. એક ઈવેન્ટમાં વાતચીત દરમિયાન આ ઘટનાને યાદ કરતા એમએસ ધોનીએ કહ્યું હતું કે, ‘આ આઈપીએલ મેચમાં થયું હતું. તે સમયે હું મેદાન પર ગયો હતો. તે એક મોટી ભૂલ હતી.

ધોનીએ કહ્યું કે એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે અમુક બાબતો તમને ઉશ્કેરે છે. અમે એવી રમતમાં છીએ જ્યાં દાવ ઘણો ઊંચો છે, તમે દરેક મેચ જીતવાની અપેક્ષા રાખીએ છીએ. તમારે ઘણી બધી વસ્તુઓનું સંચાલન કરવું પડશે. ધોનીએ વધુમાં કહ્યું કે, એટલા માટે હું કહું છું કે જ્યારે તમે થોડા ગુસ્સામાં કે નિરાશ હોવ તો તમારું મોઢું બંધ રાખો.

આ પણ વાંચો…પાકિસ્તાન ક્રિકેટના પતન અંગે ઇન્ઝમામ ઉલ હકે મેનેજમેન્ટને ગણાવ્યું જવાબદાર, કહ્યું ભૂલો સતત કરી રહ્યા છે અને…

ધોનીએ વધુમાં કહ્યું હતું કે થોડા સમય માટે તેનાથી દૂર રહો, ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. તે દબાણને નિયંત્રિત કરવા જેવું છે. જો તમે તમારી જાતને પરિણામથી અલગ કરી શકો તો તે મદદ કરે છે.

એમએસ ધોનીએ એમ પણ કહ્યું કે, તમારી ભાવનાઓ તમારા નિર્ણય લેવામાં પ્રભાવિત ન થવી જોઈએ. નોંધનીય છે કે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇએ રેકોર્ડ 5 વખત આઇપીએલ જીતી છે. જોકે, ધોની હવે ચેન્નઇનો કેપ્ટન નથી પરંતુ 2025ની આઇપીએલમાં રમશે.

સંબંધિત લેખો

Back to top button