IPL 2025

14 વર્ષનો `વિક્રમાદિત્ય’ વૈભવ સૂર્યવંશી મુંબઈ સામે બીજા જ બૉલ પર આઉટ!

જયપુરઃ સોમવારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ઐતિહાસિક અને વિક્રમજનક સેન્ચુરી ફટકારીને ક્રિકેટજગતમાં ધમાલ મચાવનાર રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (0) આજે અહીં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે માત્ર બીજા જ બૉલે ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો હતો.

મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ બે વિકેટે 217 રન કર્યા ત્યાર બાદ મેદાન પર ઊતરેલા યશસ્વી જયસ્વાલે રાજસ્થાનના દાવની શરૂઆત કરી હતી. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરની જવાબદારી (ટ્રેન્ટ બૉલ્ટને કે જસપ્રીત બુમરાહને નહીં, પણ) મૂળ ઉત્તર પ્રદેશના પેસ બોલર દીપક ચાહર (Deepak CHAHAR)ને સોંપી હતી. ચાહરના પ્રથમ બૉલમાં યશસ્વી આઉટ થતાં થોડો બચી ગયો હતો અને બીજા બૉલમાં યશસ્વીએ દોડીને એક રન લીધો હતો.

આ પણ વાંચો: 50મી મૅચમાં બે ફિફ્ટી થયા, બે થતાં રહી ગયા

યશસ્વીએ એ એક રન લીધો એ સાથે જ જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ (કે જ્યાં 1987માં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ ઝિયા-ઉલ-હક ભારત-પાકિસ્તાનની ટેસ્ટ મૅચ જોવા આવ્યા હતા) હજારો પ્રેક્ષકોની બૂમો અને ચીસોથી ગૂંજી ઊઠ્યું હતું. કારણ એ હતું કે યશસ્વીના એ સિંગલ બાદ વૈભવ સૂર્યવંશી સ્ટ્રાઇક પર આવ્યો હતો. ચાહરે ત્રીજો બૉલ (જે સૂર્યવંશીનો પ્રથમ બૉલ હતો) યૉર્કર ફેંક્યો હતો જેમાં સૂર્યવંશીએ પોતાને સલામત રાખ્યો હતો. યાદ કરાવીએ કે સોમવારે જયપુરમાં જ સૂર્યવંશી ટી-20 ક્રિકેટનો યંગેસ્ટ સેન્ચુરિયન (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) બન્યો ત્યાર બાદ ગુજરાત ટાઇટન્સના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાના યૉર્કરમાં ક્લીન બોલ્ડ થયો હતો.

મુંબઈના દીપક ચાહરનો ચોથો બૉલ પણ યૉર્કર હતો. ચાહરે કલાકે 130 કિલોમીટરની ઝડપે ફેંકેલા એ બૉલનો સામનો કરવા સૂર્યવંશી બૅકફૂટ પર ગયો હતો અને વિલ જૅક્સના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો.

ત્યાર બાદ યશસ્વીએ (ગુસ્સામાં જાણે બદલો લેવાના ભાવ સાથે) ટ્રેન્ટ બૉલ્ટની ઓવરના ત્રણ બૉલમાં બે સિક્સર ફટકારી હતી, પરંતુ યશસ્વી કલાકે 136 કિલોમીટરની ઝડપે આવેલા બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button