૨૦૨૫ ની આઇપીએલ માટે આ ટીમોના કૅપ્ટન નક્કી, અન્ય ટીમો માટે નામ ચર્ચાય છે…
જેદ્દાહ/મુંબઈ: આઇપીએલની માર્ચ, ૨૦૨૫ની સીઝન પહેલાંના મેગા ઑક્શનમાં તમામ ૧૦ ટીમોને જોઈતા હતા એ ખેલાડીઓ લગભગ મળી જ ગયા છે અને દરેક ટીમ પાસે થોડુંઘણું ફંડ બચ્યું છે ત્યારે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે મોટા ભાગની ટીમોને ઇચ્છા મુજબના કૅપ્ટન મળી ગયા છે. અમુક ટીમો પાસે રીટેન કરાયેલા ખેલાડીઓમાં જ કૅપ્ટન છે (જેમ કે મુંબઈ પાસે હાર્દિક પંડ્યા છે) ત્યારે બીજી કેટલીક ટીમોએ હવે સુકાની લગભગ નક્કી કરી લીધો છે.
આ પણ વાંચો : IPL Auction: અર્જુન તેંડુલકરને કોને ખરીદ્યો, 13 વર્ષનો ટેણિયો બન્યો કરોડપતિ!
એવામાં હવે આપણે ટીમોના નક્કી થયેલા અને સંભવિત કૅપ્ટન વિશે જાણીશું.
૧૦માંથી પાંચ ટીમે હરાજીની પહેલાં રીટેન કરેલા પ્લેસર્સમાં કૅપ્ટન નક્કી કરી લીધો હતો.
આપણે અગાઉ જાણી ગયા એમ મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને ફરી કૅપ્ટન્સીની જવાબદારી સોંપી છે. ગુજરાત ટાઇટન્સ પાસે શુભમન ગિલ છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ઋતુરાજ ગાયકવાડ, રાજસ્થાન રૉયલ્સ પાસે સંજુ સૅમસન અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે પૅટ કમિન્સ છે.
હરાજી પહેલાં જે પાંચ ટીમ સુકાનીની શોધમાં હતી એમાં દિલ્હી કૅપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, લખનઊ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામેલ છે.
લખનઊએ ૨૭ કરોડ રુપિયાના વિક્રમજનક ભાવે રિષભ પંતને મેળવ્યો છે, જ્યારે પંજાબે ૨૬.૭૫ કરોડ રુપિયામાં શ્રેયસ ઐયરને ખરીદ્યો છે જેને સુકાન સોંપવામાં આવશે. શ્રેયસની કૅપ્ટન્સીમાં જ કોલકાતાએ ૨૦૨૪ની સીઝનમાં ટાઇટલ જીતી લીધું હતું.
આ પણ વાંચો : મોહમ્મદ શમીની પૂર્વ પત્નીના બોલ્ડ અંદાજનો વીડિયો વાઈરલ, યૂઝર્સે આપી પ્રતિક્રિયા…
દિલ્હી કૅપિટલ્સ કદાચ અક્ષર પટેલને અથવા ફૅફ ડુ પ્લેસીને અથવા કે. એલ. રાહુલને નેતૃત્વ સોંપશે. કોલકાતા કદાચ વેન્કટેશ ઐયરને સુકાની બનાવી શકે. તેને આ ટીમે ૨૩.૭૫ કરોડ રુપિયાના તોતિંગ ભાવે મેળવ્યો છે. આરસીબીની વાત કરીએ તો વિરાટ કોહલીને ફરી સુકાન સોંપાશે એવી ચર્ચા હતી. જોકે કંઈ નક્કર વાત બહાર નથી આવી. એ ઉપરાંત, બેન્ગલૂરુ પાસે ફિલ સૉલ્ટ પણ છે જે ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન સંભાળી ચૂક્યો છે. રજત પાટીદાર પણ બેન્ગલૂરુ પાસે છે.