રવિવારના મેગા ઑક્શનમાં સૌથી પહેલી બોલી કોના નામ પર લાગશે? 15થી 20 કરોડ રૂપિયાનો સોદો થઈ શકે…
મુંબઈઃ આગામી રવિવાર અને સોમવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મેગા ઑક્શનમાં માર્કી પ્લેયર્સના પ્રથમ લિસ્ટમાંથી કોઈ એક ખેલાડીના નામથી હરાજીની શરૂઆત થવાની છે અને એમાં કોનું નામ હશે એ એક રીતે ગુપ્ત છે, પરંતુ ઓપન સીક્રેટ જેવું પણ છે. એનું કારણ એ છે કે જે 12 માર્કી પ્લેયર્સના નામ નક્કી થયા છે એની યાદી બહાર પડી ચૂકી છે અને એમાં પહેલા લિસ્ટમાં ક્રમવાર જૉસ બટલર, શ્રેયસ ઐયર, રિષભ પંત, કૅગિસો રબાડા, અર્શદીપ સિંહ,અને મિચલ સ્ટાર્કના નામ છે. આ બધામાં બટલરનું નામ સૌથી ઉપર છે. આ છમાંથી કોઈ એકના નામ સાથે ઑક્શનનો આરંભ કરાશે.
આ પણ વાંચો : શુક્રવારથી પ્રથમ ટેસ્ટ: પર્થમાં કેવી હોઈ શકે ભારતની પ્લેઇંગ-ઇલેવન?
માર્કી ખેલાડીઓની બીજી યાદીમાં યુઝવેન્દ્ર ચહલ, લિઆમ લિવિંગસ્ટન, ડેવિડ મિલર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ છે.
એવું મનાય છે કે છ માર્કી પ્લેયર્સના પ્રથમ લિસ્ટમાંથી જેના નામથી મેગા ઑક્શનની શરૂઆત કરાશે તેના પરની બોલી 15થી 20 કરોડ રૂપિયાથી પણ ઉપર જઈ શકે એમ છે.
આ મહા-હરાજી માટે દેશ-વિદેશના કુલ 1,574 ખેલાડીઓએ અરજી કરી હતી એમાંથી 1,000 નામ કાઢી નાખીને યાદી ટૂંકાવી નાખવામાં આવી છે અને હવે બે દિવસના કાર્યક્રમ દરમ્યાન 574 પ્લેયરના નામ પર બોલી લાગશે. જોકે આ તમામ 574 ખેલાડીઓ `ડન’ થઈ જશે એવું નથી, કારણકે 10 ટીમોમાં ફક્ત 204 સ્લૉટ ખાલી છે. આ 10 ટીમોએ 46 ખેલાડીઓને રીટેન કર્યા છે.
આ પણ વાંચો : જુઓ, પર્થમાં બૅટરના શૉટમાં બૉલ વાગતાં અમ્પાયરને કેવી ઈજા થઈ…
આ વખતની નિલામીમાં ઇંગ્લૅન્ડનો 42 વર્ષીય પીઢ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન પણ છે. તે તાજેતરમાં જ નિવૃત્ત થયો અને પહેલી જ વખત આઇપીએલની હરાજીમાં આવી રહ્યો છે. તેણે 1.25 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી છે. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી આ વખતની આઇપીએલના ઑક્શનનો સૌથી યુવાન ખેલાડી બનશે.