રિયાન પરાગે ફૅનને 10,000 રૂપિયા ચૂકવ્યા હતા? આકાશ ચોપડાએ અટકળને ફગાવી દીધી…

ગુવાહાટીઃ ક્રિકેટના મેદાન પર કોઈ ક્રિકેટક્રેઝી છેક પિચ સુધી પોતાના ફેવરિટ ખેલાડીને ભેટવા કે તેને પગે લાગવા પિચ સુધી પહોંચી જાય એ કોઈ નવી વાત નથી અને આઇપીએલ (IPL 2025) પણ એમાં અપવાદ નથી અને એના અનુસંધાનમાં જ બુધવારે અહીં ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગ (RIYAN PARAG) સાથે બનેલી એક ઘટના વાઇરલ થઈ ગઈ છે. એ તો ઠીક, પણ આ ઘટના બાબતમાં ફેલાયેલી એક અટકળ ખૂબ ચર્ચાસ્પદ થઈ છે. જોકે ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડા પાયા વગરની આ અટકળથી ખૂબ ગુસ્સે થયો છે.
No way you risk getting fined, jailed or probably banned from the stadium to touch Riyan Parag's feet? pic.twitter.com/lPKgS9dJEB
— Heisenberg ☢ (@internetumpire) March 26, 2025
વાત એવી છે કે બુધવારે આસામના ગુવાહાટી શહેરમાં રાજસ્થાન અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચ ચાલી રહી હતી ત્યારે એક યુવાન (Fan) સલામતી કવચ ભેદીને ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો અને રિયાન પરાગ પાસે પહોંચીને તેને પગે લાગ્યો (touched feet) હતો તેમ જ સલામતી રક્ષક તેને દૂર લઈ ગયા એ પહેલાં રિયાનને તે ભેટ્યો પણ હતો.
23 વર્ષનો રિયાન આસામનો જ છે. તેનો જન્મ ગુવાહાટીમાં થયો હતો. મૅચ દરમ્યાન રિયાનના અનેક ચાહકો સ્ટેડિયમમાં હતા અને તેઓ રિયાનની જ બૂમો પાડતા હતા. પોતાના રાજ્યનો ક્રિકેટર સૌપ્રથમ આઇપીએલ ટાઇટલ જીતનાર ટીમ (રાજસ્થાન)નું સુકાન સંભાળી રહ્યો હોય એ તેમના માટે મોટું ગૌરવ કહેવાય અને એટલે તેઓ અતિ ઉત્સાહમાં હતા અને તેમનામાંથી એક ક્રિકેટ ક્રેઝી યુવાન રિયાનને નજીકથી જોવા તેની પાસે પહોંચી ગયો હતો.
આ ઘટના વાઇરલ થયા પછી ઇન્ટરનેટ પર કેટલાક નેટિઝન્સે એવી અટકળ ફેલાવી હતી કે ખુદ રિયાન પરાગનું જ આ સ્ટંટ હતું અને તેણે પોતાના ચાહકને મેદાન પર દોડી આવીને પોતાને પગે લાગવા તેમ જ પોતાને ભેટવાનું નાટક કરવા માટે 10,000 રૂપિયા ચૂકવ્યા હશે.
ખરેખર તો આ ક્રિકેટક્રેઝી પિચ સુધી આવ્યો ત્યારે ખુદ રિયાનને આશ્ચર્ય થયું હતું. રિયાનના સ્ટંટ વિશેની નેટિઝન્સની અટકળ ગળે ઉતરે એવી ન લાગતાં કૉમેન્ટેટર આકાશ ચોપડાએ જણાવ્યું છે કે `પત્રકારિત્વમાં જુઓ સ્તર કેટલું બધુ નીચે ઊતરી ગયું છે! રિયાન પરાગે પોતાના ફૅનને મેદાન પર બોલાવવા તેને 10,000 રૂપિયા ચૂકવ્યા હશે એવી એક જાણીતા મીડિયા હાઉસની પાયા વિહોણી અટકળે તો હદ કરી નાખી. આ મીડિયા હાઉસે આ અફવાને ચકાસ્યા વિના એને વાઇરલ થવા જ શા માટે દીધી? સ્પોર્ટ્સ મીડિયામાં જવાબદારીપૂર્વકનું રિપોર્ટિંગ થવું જોઈએ.
આ પણ વાંચો : `ધોનીનું વધુ પડતું વળગણ સારું નહીં’ એવું અંબાતી રાયુડુ કેમ કહે છે?
બુધવારની મૅચમાં રાજસ્થાન (151/9)નો કોલકાતા (17.3 ઓવરમાં 153/2) સામે આઠ વિકેટે પરાજય થયો હતો.