વન-ડે વર્લ્ડકપની નવમી મેચમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો સામસામે ટકરાઈ રહી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન હમશતુલ્લાહ શાહિદીએ ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે ટીમ ઈન્ડિયા સામે 273 રન ટાર્ગેટ છે. પણ આ બધામાં ઈન્ડિયન ક્રિકેટર જસપ્રીત બુમરાહ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે અને એનું કારણ છે તેણે પીચ પર કરેલું અનોખું સેલિબ્રેશન.
ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર બુમરાહે ટીમ ઈન્ડિયાને પહેલી મહત્ત્વની સફળતા અપાવી હતી ઈબ્રાહિમ જાદરાનની વિકેટ લઈને. સાતમી ઓવરના ચોથા બોલ પર બુમરાહે ઈબ્રાહિમને કેચ આઉટ કરાવ્યો હતો. આ મહત્ત્વની વિકેટ લીધા બાદ બુમરાહે એકદમ ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું અને એને કારણે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
વાત જાણે એમ છે કે બુમરાહે ઈંગ્લેન્ડ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ફૂટબોલર માર્ક્સ રેશફોર્ડની સ્ટાઈલમાં આ વિકટરીને સેલિબ્રેટ કરી હતી. મજાની વાત તો એ હતી કે રેશફોર્ડે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બુમરાહનો ફોટો શેર કર્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયામાં એક બીજો ખિલાડી એટલે કે મોહમ્મદ સિરાજ પણ માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ ખિલાડી અને પોર્ટુગીઝના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની સ્ટાઈલમાં જ સેલિબ્રેશન કરે છે.
દરેક ખેલાડીના વિકેટ લીધા પછી સેલિબ્રેટ કરવાની આગવી શૈલી હોય છે અને એ જ અનુસંધાનમાં બુમરાહે આ નવમી મેચમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું હતું. આ મેચમાં બુમરાહે ચાર વિકેટ લઈને ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વની કામગિરી બજાવી હતી, એવું કહીએ તો એમાં કંઈ જ અતિશયોક્તિ નહીં ગણાય.