
મુંબઇઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચમાં અનેક વિક્રમો નોંધાવવાની સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઈનલ પહેલા સેમી ફાઈનલમાં ભારતીય બેટર વિરાટ કોહલીએ સચિનનો વિક્રમ તોડ્યો હતો, ત્યારબાદ તેના અંગે સચિન સહિત અનેક ક્રિકેટરે કમેન્ટ કરી હતી, જ્યારે આજે આ મુદ્દે પૂર્વ ક્રિકેટર અને કોચે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ 50 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેના રેકોર્ડ બાદ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે 35 વર્ષીય વિરાટ સચિન તેંડુલકરની 100 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ તોડી શકે છે.
કોહલીના નામે વન-ડેમાં 50, ટેસ્ટમાં 29 અને ટી-20માં એક સદી છે. તેણે કુલ 80 સદી ફટકારી છે. કોહલીએ બુધવારે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેંડુલકરના 49 વન-ડે સદીના રેકોર્ડને તોડ્યો હતો.
રવિ શાસ્ત્રીએ આઈસીસીની સમીક્ષામાં કહ્યું હતું કે કોણે વિચાર્યું હશે કે જ્યારે સચિન તેંડુલકરે 100 સદી ફટકારી છે, ત્યારે કોઈ તેની નજીક આવશે? અને કોહલી પાસે 80 આંતરરાષ્ટ્રીય સદીઓ છે, જેમાંથી 50 વન-ડેમાં છે, જે તેને શ્રેષ્ઠ બનાવે છે. આ એક અસાધારણ રેકોર્ડ છે. તમે તેમની આગામી 10 ઇનિંગ્સમાં વધુ પાંચ સદીઓ જોઈ શકો છો.