Bengaluru: RCBએ શનિવાર રાતના અભૂતપૂર્વ મુકાબલામાં ડિફેન્ડિંગ CSKને 27 રનથી હરાવીને ફરી એકવાર પ્લે-ઑફમાં એન્ટ્રી કરીને પ્રથમ ટાઇટલની આશા જીવંત રાખી હતી. આરસીબીએ સીઝનની પહેલી આઠમાંથી સાત મેચમાં પરાજય જોયા બાદ હવે લાગલગાટ છ વિજય મેળવીને શાનથી પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો છે. વિરાટ કોહલી 37મો છગ્ગો ફટકારીને આ સીઝનનો નંબર-વન સિક્સ-હિટર બન્યો છે. તેણે લખનઊના નિકોલસ પૂરન (36 સિક્સર) અને હૈદરાબાદના અભિષેક શર્મા (35 સિક્સર)ને પાછળ રાખી દીધા છે.
આરસીબીએ વરસાદ અને ખરાબ હવામાનના માહોલ વચ્ચે પ્રથમ બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા. સીએસકેની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 191 રન બનાવી શકી હતી. રવીન્દ્ર જાડેજા (42 અણનમ, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને એમએસ ધોની (25 રન, 13 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની ચુંગાલમાંથી આરસીબીના ખેલાડીઓ બહાર આવ્યા એટલે જ જીતી શક્યા.
ગયા વર્ષની સીઝનમાં છેલ્લે ગુજરાત સામે ચેન્નઈએ જીતવા બે બૉલમાં 10 રન બનાવવાના હતા અને જાડેજાએ વિનિંગ શોટ્સ મારીને ચેન્નઈને અને ધોનીને પાંચમું ટાઈટલ અપાવ્યું હતું. શનિવારે ફરી ચેન્નઈએ છેલ્લા બે બૉલમાં 10 રન બનાવવાના આવ્યા હતા, પરંતુ જાડેજા આ વખતે જિતાડવામાં નિષ્ફળ રહ્યો હતો.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 20મી ઓવર લેફટ-આર્મ પેસ બોલર યશ દયાલને આપી હતી. એના પહેલા બૉલમાં ધોનીએ સિક્સર ફટકારી હતી, પરંતુ બીજા બૉલમાં પણ છગ્ગો મારવાના પ્રયાસમાં ધોની ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર સ્વપ્નિલ સિંહને કેચ આપી બેઠો હતો. એ સાથે ધોનીનો કદાચ એ કરિયરનો છેલ્લો શૉટ જોવા મળ્યો હતો.
એ પછીના બે બોલમાં શાર્દુલ ઠાકુર ફક્ત એક રન બનાવી શક્યો હતો આખરી બે બૉલમાં દસ રન બનાવવાના બાકી હતા. યશ દયાલનો પાંચમો બૉલ ઑફ સ્ટમ્પની ખૂબ બહાર હતો જેમાં જાડેજા બૉલ સાથે બૅટને કનેક્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. એ સાથે જ ચેન્નઈનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. અંતિમ બોલમાં પણ જાડેજા શોર્ટ નહોતો મારી શક્યો અને એવરગ્રીન, એવર-ફિટ વિરાટ કોહલી સહિત બેંગ્લોરના તમામ પ્લેયર્સ દોડી આવીને એકમેકને ભેટી પડ્યા હતા. વિરાટની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. જાડેજા આ વખતે છેલ્લી પળોમાં જિતાડી ન શક્યો એને કારણે ધોની સ્તબ્ધ થઈ ગયો હતો.
ચેન્નઈ વતી રાચિન રવીન્દ્રએ 37 બોલમાં 61 રન અને ચોથા નંબર પર મોકલવામાં આવેલા અજિંકય રહાણેએ 22 બોલમાં 33 રન બનાવ્યા હતા. બેંગલૂરુ વતી યશ દયાલે સૌથી વધુ બે વિકેટ તેમ જ મેક્સવેલ, સિરાજ, ફર્ગ્યુસન અને કેમેરન ગ્રીને એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, બેંગલૂરુના 218/5ના સ્કોરમાં વિરાટ (47 રન, 29 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), ડુ પ્લેસી (54 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), પાટીદાર (41 રન, 23 બૉલ, ચાર સિક્સર, બૅ ફોર), ગ્રીન (38 રન, 17 બૉલ, 3 સિક્સર, 3 ફોર), દિનેશ કાર્તિક (14 રન, 6 બૉલ, એક સિક્સર, એક ફોર) અને મેક્સવેલ (16 રન, પાંચ બૉલ, એક સિક્સર, બૅ ફોર)ના નાના-મોટા યોગદાન હતા. શાર્દુલ ઠાકુરે બે તેમજ દેશપાંડે અને સેન્ટરનરે એક-એક વિકેટ લીધી હતી.
આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 54 રન બનાવવા ઉપરાંત કટોકટીના સમયે ચેન્નઈના સેન્ટનરનો એક હાથે કેચ પકડીને ચેન્નઈની ટીમને મુશ્કેલીમાં લાવી દીધી હતી.