
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે ગુરુવારે અહીં પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ શરૂઆતના ધબડકા પછી સન્માનજનક સ્થિતિ મેળવી હતી. આ સીઝનમાં ઘણા વિક્રમો કરનાર પૅટ કમિન્સની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા.
જૂનમાં ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની મોટા ભાગે સ્લો પિચ પર રમાવાનો હોવાથી આઇપીએલના આ બીજા લીગ રાઉન્ડમાં મોટા ભાગની પિચ બોલર્સને વધુ માફક આવે એવી બનાવવામાં આવી રહી હોવાથી તોતિંગ ટીમ-સ્કોર પર હવે લગામ આવી ગઈ છે.
હૈદરાબાદના 201 રનમાં ટ્રેવિસ હેડ (58 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર), નીતિશ કુમાર રેડ્ડી (76 અણનમ, 42 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર) અને હિન્રિચ ક્લાસેન (42 અણનમ, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ના મુખ્ય યોગદાનો હતા. અભિષેક શર્મા ફક્ત 12 રન બનાવીને આવેશ ખાનને વિકેટ આપી બેઠો હતો. આવેશે કુલ બે અને સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.
હૈદરાબાદની ટીમે આ સીઝનમાં પાંચમી વાર 200-પ્લસ રન બનાવ્યા છે.
આ મૅચ પહેલાં જ હૈદરાબાદના બૅટિંગ-પાવર સામે રાજસ્થાનના બોલિંગ-આક્રમણની ખૂબ ચર્ચા હતી.