
ચેન્નઈ/બેંગલૂરુ: આઈપીએલની 17મી સીઝનમાં 60 મૅચ પૂરી થઈ ગઈ છે અને હવે આજની બે મૅચ ચારમાંથી ત્રણ ટીમનું ભાવિ નક્કી કરશે.
ચેન્નઈમાં (બપોરે 3.30 વાગ્યાથી) રમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 16 પોઇન્ટ સાથે પ્લે-ઓફની લગોલગ છે જ, આજની એની હરીફ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ શુક્રવારની ગુજરાત ટાઇટન્સ સામેની હાર બદલ મુસીબતમાં આવી ગઈ છે.
ચેન્નઈને આજે રાજસ્થાન સામેની હાર સ્પર્ધાની બહાર કરી શકે, કારણકે એના હારવાથી કોલકાતા અને રાજસ્થાન સાથે પ્લે-ઓફમાં હૈદરાબાદ અને દિલ્હી અથવા લખનઊ જોડાઈ શકે. ચેન્નઈનો રનરેટ (+0.491) ઘણો સારો છે. જો ચેન્નઈ આજે જીતશે તો એ ઇચ્છશે કે હૈદરાબાદ અને દિલ્હી એમની બાકીની મૅચો હારી જાય. બીજું, મુંબઈ સામે લખનઊ પણ હારે એવી ચેન્નઈના સપોર્ટરોની પ્રાર્થના હશે કે જેથી લખનઊ પોતાની સાથે 14 પોઇન્ટ પર રહી જાય અને પોતે ચડિયાતા રનરેટથી પ્લે-ઓફમાં જાય.
આજે (સાંજે 7.30 વાગ્યાથી) બીજી મૅચ દિલ્હી અને બેંગલૂરુ વચ્ચે છે. ગુજરાત સામે ચેન્નઈ હાર્યું એનાથી દિલ્હીને લાભ થયો. યાદ રહે, દિલ્હીનો કેપ્ટન રિષભ પંત સ્લો ઓવર-રેટ બદલ એક મૅચ માટે સસ્પેન્ડ છે અને અક્ષર પટેલ સુકાન સંભાળશે. દિલ્હી આજે બેંગલૂરુને હરાવશે, પણ પછીથી લખનઊ સામે હારશે તો પણ દિલ્હીને મોકો મળશે. જોકે મુંબઈ સામે લખનઊ જીતશે તો દિલ્હી માટે ખતરો છે.
બેંગલૂરુ સતત ચાર જીત પછી હજી મુશ્કેલીમાં તો છે જ. આજના સહિત બાકીની બન્ને મેચના વિજયથી એના કુલ 14 પોઇન્ટ થશે. એમ છતાં બેંગલૂરુ માટે આ બનવું ખૂબ જરૂરી છે: હૈદરાબાદ તથા ચેન્નઈ પોતાની બન્ને મૅચ હારે અને લખનઊ બેમાંથી એક જ મૅચ જીતવી જોઈએ. જો આવું થાય તો બેંગલૂરુ ચડિયાતા રનરેટથી હૈદરાબાદને પાછળ રાખી શકે તેમ જ દિલ્હી-લખનઊથી પણ આગળ રહી શકે.