
મુંબઇઃ વર્લ્ડ કપની સૌથી પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ આ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં દર્શકોએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્લ્ડ રેકોર્ડની જાણકારી આપી ભારતીય ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો.
વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ચાહકોએ સેમિફાઇનલ મેચ દરમિયાન ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ વ્યૂઅરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મેચ દરમિયાન એક સમયે દર્શકોની સંખ્યા 5.3 કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે ક્રિકેટના ઈતિહાસમાં કોઈ મેચ દરમિયાન પ્રથમ વખત બન્યું છે. ભારતીય પ્રેક્ષકો દ્વારા બનાવેલા આ રેકોર્ડની પ્રશંસા જય શાહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી.
જય શાહે લખ્યું હતું કે ઇતિહાસ ફરીથી લખવામાં આવ્યો છે, એક નવો સીમાચિહ્ન સર્જાયો છે! ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, ભારતીય ચાહકોએ તેને ખૂબ જ ખાસ બનાવ્યો છે. આ સેમી ફાઇનલ મેચમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર 5.3 કરોડ દર્શકો હતા, જેણે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ વ્યૂઅરશિપનો રેકોર્ડ છે.