
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિકેટકિપર કમ સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની મુશ્કેલીઓ વધી શકે છે. આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન પર નમાઝ પઢવા બદલ રિઝવાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ કરનાર વિનીત જિંદાલ ભારતમાં સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેમણે આઇસીસીને પત્ર લખ્યો હતો કે રિઝવાને હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાન પર નમાઝ અદા કરી હતી, જે મેચની ભાવના પર સવાલો ઊભા કરે છે.
વકીલ વિનીત જિંદાલે આઇસીસી અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે આ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન વિરુદ્ધની ફરિયાદ છે, જે 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાન પર નમાજ પઢતો જોવા મળ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ઘણા ભારતીયો વચ્ચે નમાઝ પઢવાનું મોહમ્મદ રિઝવાનનું કૃત્ય તેના ધર્મનું ઇરાદાપૂર્વકનું ચિત્રણ છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.
વકીલે પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે મોહમ્મદ રિઝવાને ‘ઈરાદાપૂર્વક’ પોતાના ધર્મનું ચિત્રણ કર્યું, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે. રિઝવાનનું આમ કરવું એ વિચારધારા પર સવાલ ઉઠાવે છે જેનું પાલન ખેલાડીઓએ મેચ દરમિયાન કરે છે. ઇરાદાપૂર્વક પોતાનો ધર્મ દર્શાવવાનું રિઝવાનનું કૃત્ય તે એક મુસ્લિમ હોવાનો સંદેશ આપવાનો તેનો ઇરાદો દર્શાવે છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ મોહમ્મદ રિઝવાને ગાઝાના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. જે બાદ આ મામલે આઇસીસીમાં ફરિયાદ થઇ હતી પરંતુ આઈસીસીએ કોઈ પગલાં લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આઇસીસીએ કહ્યું હતું કે કોઈ ખેલાડી મેદાનની બહાર જે કરી રહ્યો છે તે અમારા અધિકારક્ષેત્રમાં નથી.