
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે અને આ મેચ માટેનો સિક્રેટ પ્લાન રિવીલ કરતાં પોતાની સ્ટ્રેટેજી વિશે ખુલાસો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં ક્રિકેટપ્રેમીઓની નજર ટીમ ઈન્ડિયાના એ 11 ખેલાડીઓ પર છે કે જેમના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો ભરોસો છે કે જેઓ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને કપ પોતાના નામે કરશે.
આજે એટલે કે શનિવારે અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ સંભવિત પ્લેઈંગ-11ને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેણે જણાવ્યું હતું કે વર્લ્ડકપ જિતવા માટે ટીમ ઈન્ડિયાની સ્ટ્રેટેજી શું છે? આ બધા વચ્ચે રવિચંદ્રન અશ્વિનને પણ આવતીકાલની મેચમાં તક આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત રોહિતે પ્લેઈંગ-11ને લઈને ટીમ મેનેજમેન્ટના વિચારો પણ વ્યક્ત કર્યા છે.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આવતીકાલની મેચમાં અશ્વિનને રમવાની તક મળી શકે છે. આ વર્લ્ડકપમાં અશ્વિને પહેલી મેચમાં રમતો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ તેને ફરીથી ક્યારેય પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું નહોતું. આવી અટકળો વ્યક્ત કરવા પાછળ એવું કારણ પણ આપવામાં આવી રહ્યું છે કે અશ્વિને ગઈકાલે જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી અને આ જ કારણે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ મોહમ્મદ સિરાજની જગ્યાએ તક મળી શકે છે.
જોકે, અશ્વિનને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવશે કે નહીં એ બાબતે રોહિતે જણાવ્યું હતું કે ટીમે હજુ નક્કી નથી કર્યું કે આવતીકાલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 કેવી હશે? આવતીકાલે પીચ જોઈને જ નક્કી કરવામાં આવશે કે પ્લેઇંગ-11માં કોનો કોનો સમાવેશ કરવો જોઈએ. આમ તો ટીમના 12-13 ખેલાડીઓ નક્કી છે પરંતુ આવતીકાલે પીચને જોઈને પ્લેઈંગ-11 અંગે નિર્ણય લેવામાં આવશે.
આવતીકાલની ફાઈનલ મેચની વાત કરીએ તો આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોહિતે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે બહારનો માહોલ કેવો છે એનાથી હું અને ટીમ સારી રીતે પરિચિત છીએ અને ટીમ કોઈ પણ પ્રકારના પ્રેશરમાં નથી. આવતીકાલે ટીમનો દરેક ખેલાડી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.