IPL 2024સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના કેપ્ટનની આ બે ભૂલો ભારે પડી?

વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં 140 કરોડ દેશવાસીઓની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે. દુઃખ માત્ર હારનું નથી, પરંતુ સારી ગેમ ન રમ્યા તેનું પણ છે. જોકે તેમ છતાં ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં જે દેખાવ કર્યો તેનાથી ફેન્સ ખુશ છે અને દેશવાસીઓ એકબીજાને પણ દિલાસો આપી રહ્યા છે, પરંતુ ક્રિકેટપંડિતો આ મેચની ચીરફાડ કરી રહ્યા છે અને દસ મેચ સુધી અજેય રહેનારી આ ટીમ આ રીતે કેમ હારી તેના કારણો સૌની સામે ધરી રહ્યા છે.

અમુક નિષ્ણાતોના હિસાબે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બે મોરચે થાપ ખાઈ ગયા અને તેથી મેચ જીતવાની શક્યતાઓ એક સમયે નહીવત થઈ ગઈ અને આખરે હાથમાંથી કપ ગયો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. આ ઘણો નાનો સ્કોર કહી શકાય તેમ છતાં કોમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપરા સહિત કેટલાક અનુભવીઓને લાગ્યું કે ઓસ્ટ્રેલિયા 241 રનના લક્ષ્યનો પીછો કરતા હાંફી જશે.


જ્યારે કાંગારૂ ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી અને જસપ્રીત બુમરાહ સાથે મોહમ્મદ શમીએ ભારતીય બોલિંગની કમાન સંભાળી ત્યારે આ જ વાત સાચી સાબિત થતી જોવા મળી હતી. શમીએ ડેવિડ વોર્નરને શિકાર બનાવ્યો હતો. આ પછી બુમરાહે મિચેલ માર્શ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને 47 રન પર ત્રીજો ઝટકો આપ્યો હતો. આ સમયે દરેકને હૈયે હામ આવી અને ભારતે મેચમાં વાપસી કરી હતી અને જીતની આશ ફરી બંધાઈ હતી. જોકે તે બાદ કેપ્ટન રોહિત શર્માના નિર્ણયો કે ગણતરી ખોટી પડતી ગઈ અને ઓસ્ટ્રેલિયાએ ભારતના હાથમાંથી જીત છીનવી લીધી.


વાસ્તવમાં રોહિતે શમી અને બુમરાહ પાસે 10 ઓવર માટે બોલિંગ કરાવી. બન્નેએ વિકેટો લીધી અને દબાણ ઊભું કર્યું. આ પછી તેણે બંને તરફથી સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને તહેનાત કર્યા. હેડ અને લેબુશેને સ્પિનરોની બોલિંગમાં સારી રીતે રમ્યા અને 16 ઓવરમાં સ્કોર 3 વિકેટે 87 રન સુધી પહોંચાડ્યો. મતલબ કે આ સમય દરમિયાન આ બંને કાંગારુ ખેલાડીઓ પરથી દબાણ હટી ગયું. આ વાત રોહિતે ધ્યાનમાં લેવા જેવી હતી.
આ પછી કેપ્ટન રોહિતે 17મી ઓવરથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજને બોલિંગ આપી, પરંતુ ત્યાં સુધીમાં કમ્ફર્ટ ઝોનમાં આવેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સિરાજની પ્રથમ 3 ઓવરમાં કોઈ વિકેટ આપ્યા વિના 16 રન બનાવી લીધા હતા. અહીં પણ રોહિતે ત્રણ ઓવર પછી સિરાજને હટાવી દીધો અને ફરીથી સ્પિનરોને ઉપરાઉપરી ઓવર આપી. કુલદીપે 6 ઓવરમાં 30 રન અને જાડેજાએ 4 ઓવરમાં 16 રન આપ્યા હતા. આ ઉપરાંત તેને કોઈ વિકેટ પણ મળી ન હતી. વાસ્તવમાં, જ્યારે રોહિતે પ્રથમ 10 ઓવર પછી શમી અને બુમરાહને હટાવ્યા ત્યારે સિરાજને એક બાજુથી બોલ કરવો જોઈતો હતો. બીજી બાજુથી જાડેજા કે કુલદીપનો ઉપયોગ થઈ શક્યો હોત. આ સાથે સિરાજ શમી-બુમરાહ દ્વારા બનાવેલા દબાણને આગળ લઈ જઈ શક્યો હોત. આવી સ્થિતિમાં વિકેટ લેવાની પૂરી આશા હતી. સિરાજની 4-5 ઓવર પછી શમી અથવા બુમરાહનો ઉપયોગ સ્પિનર ​​સાથે થઈ શક્યો હોત. આ રીતે, એક બાજુથી ઝડપી બોલરો અને બીજી બાજુથી સ્પિનરોને કામે લગાડીને કાંગારૂ બેટ્સમેનો પર દબાણ જાળવી શકાયું હોત તેમ ક્રિકેટના નિષ્ણાતો કહે છે.


હવે વાત કરીએ બીજી ભૂલની તો ફાઈનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ થોડી ધીમી અને સૂકી રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પિચને પારખવામાં કાચો ન પડ્યો અને બધાની વિરુદ્ધ જઈને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન રોહિતે કહ્યું હતું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હોત. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે રોહિત અને ટીમ મેનેજમેન્ટ પિચને યોગ્ય રીતે સમજી શક્યા નહીં અને બીજા દેશના ખેલાડીએ પહેલેથી તાગ મેળવી લીધો.


બીજી તરફ, કમિન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જોસ હેઝલવુડની સાથે મળી ધીમી બોલિંગ દ્વારા ભારતીય બેટ્સમેનોને 300 રન પણ ખડકવા ન દીધા. આ પછી, જ્યારે કાંગારુ ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યાં સુધીમાં પિચ સપાટ થઈ ગઈ હતી. આઉટફિલ્ડ પણ ઝડપી બની ગયું હતું. ઝાકળ પણ એક મોટું કારણ હતું જેના કારણે ભારતીયોને બોલિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.


જોકે આ બે જ ભૂલ કે કારણ નથી નડ્યા આ સાથે નબળી ફિલ્ડિંગ, ફાઈનલના દબાણને સહન ન કરી શકવું, ઘરઆંગણાની ભીડ સામે સારું પ્રદર્શન કરવાનું દબાણ, વ્યૂહરચના અને આક્રમક બેટિંગ જેવા ઘણા પાસાઓ છે. બીજી બાજુ જો તમે ઓસ્ટ્રેલિયન ટીમને યોગ્ય રીતે જોઈ હશે તો તેમની સખત ફિલ્ડિંગ અને ટીમ વર્ક તેમ જ રણનીતિનો તમને પણ ખ્યાલ આવી જશે. એ વાત ખરી કે બે ટીમ વચ્ચેની મેચમાં કોઈ હારે ને કોઈ જીતે, પરંતુ ભારતીય ટીમ પાસેથી જે આક્રકમ પ્રદર્શનની અપેક્ષા હતી તેમાં તે ખરી ઉતરી નહીં અને કરોડો દેશવાસીઓની આશા અધૂરી રહી ગઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…