IPL 2024સ્પોર્ટસ

18.50 કરોડ રૂપિયાવાળા સૅમ કરૅને પંજાબને જિતાડ્યું

મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે શનિવારે મોહાલી નજીકના મુલ્લાનપુરમાં આઇપીએલની 17મી સીઝનની બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સને ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. દિલ્હીના કૅપ્ટન રિષભ પંત (13 બૉલમાં 18 રન) માટે કમબૅક હતાશાભર્યું રહ્યું હતું.

‘સડ્ડા અખાડા’ તરીકે જાણીતા આ સ્થળના મેદાન પર શિખર ધવનના સુકાનમાં પંજાબે 175 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં છ વિકેટના ભોગે 177 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. પંજાબે 18.50 કરોડ રૂપિયામાં ખરીદેલા ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅને (63 રન, 47 બૉલ, એક સિક્સર, છ ફોર) મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું. લિવિંગસ્ટન (38 અણનમ, 21 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) પણ ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો. ધવને બાવીસ રન તથા પ્રભસિમરન સિંહે 26 રન બનાવ્યા હતા. જિતેશ શર્મા (9 રન) આઉટ થયા બાદ સૅમ-લિવિંગસ્ટન વચ્ચે પાંચમી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી.


દિલ્હી વતી કુલદીપ યાદવ અને ખલીલ અહમદે બે-બે તથા પીઢ બોલર ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી. વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ઑલરાઉન્ડર મિચલ માર્શને તેમ જ અક્ષર પટેલ અને સુમીત કુમારને વિકેટ નહોતી મળી.
એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ દિલ્હીની ટીમ સાધારણ શરૂઆત બાદ 111 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. શાઇ હોપના 33 રન ટીમમાં હાઈએસ્ટ હતા, જ્યારે અભિષેક પોરેલે માત્ર 10 બૉલમાં અણનમ 32 રન બનાવ્યા હતા જેમાં બે સિક્સર, બે ફોર સામેલ હતી. સૅમ કરૅનને વિકેટ નહોતી મળી, પરંતુ હર્ષલ પટેલ તથા અર્શદીપ બે-બે વિકેટ લેવામાં સફળ થયા હતા. રબાડા, બ્રાર અને રાહુલ ચાહર એક-એક વિકેટ લઈ શક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button