
મુલ્લાનપુર: પંજાબના મોહાલી શહેર નજીકના મુલ્લાનપુરમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મૅચ છે. પંજાબની ટીમ માટે આ હોમ-ગ્રાઉન્ડ હોવાથી શિખર ધવન ઍન્ડ કંપની શરૂઆતથી જ સંજુ સૅમસનની ટીમ પર હાવી થવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, રાજસ્થાનની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે એટલે એ સ્થાને પોતાને મજબૂત કરવા કોઈ ભૂલ નહીં કરે. સાતમા નંબરના પંજાબ માટે આજે રાજસ્થાનને હરાવવું મુશ્કેલ તો છે જ.
જોકે ક્રિકેટપ્રેમીઓ માટે થોડા બૅડ ન્યૂઝ છે. આજે રાબેતામુજબ સાંજે 7.00 વાગ્યે ટૉસ થશે અને 7.30 વાગ્યે પ્રથમ બૉલ ફેંકવામાં આવશે. જોકે વેધશાળાની આગાહી છે કે સાંજે મુલ્લાનપુરના આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને છૂટોછવાયો વરસાદ પણ પડશે. વરસાદ પડવાના 44 ટકા ચાન્સ બતાવાયા છે.
આજની મૅચ મુલ્લાનપુરના મહારાજા યદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાનની ટીમ બુધવારે 2022ના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારતાં પહેલાંની તમામ ચાર મૅચ જીતી હતી. પંજાબે મંગળવારે હૈદરાબાદ સામે માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો એટલે આ યજમાન ટીમ આજે થોડી નિરાશા સાથે મેદાન પર ઊતરશે, પણ ગુજરાત પછી હવે પોતે પણ રાજસ્થાનને પરાજય ચખાડવા તત્પર હશે.
જોકે આજે હવામાન મૅચના પરિણામ પર ઘણી અસર પાડી શકે. તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેશે અને રાતે 21 ડિગ્રી સુધી નીચે પણ ઊતરી શકે એમ છે. હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા જેટલું રહેશે, પરંતુ જો હળવો વરસાદ પડશે તો પછીથી હવામાન ખુશનુમા બની શકે.